કેજરીવાલ દિલ્હીના પ્રદૂષણનો દોષ હવે પંજાબ પર નહીં ઢોળી શકે
નવીદિલ્હી, દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં ભયાનક પ્રદૂષણ થાય છે. તેના માટે પંજાબના ખેડૂતો પર દોષારોપણ કરવામાં આવે છે. શિયાળામા પંજાબના ખેડૂતો પાક અવશેષ બાળતા હોય છે અને પવનની દિશા પંજાબથી દિલ્હી તરફની હોય છે. દિલ્હીની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં આવતા પવનનું ઝડપથી નિષ્કાસન થતું નથી આથી પંજાબનો તમામ ધુમાડો પાટનગરમાં ભેગો થાય છે.
અત્યાર સુધી પંજાબમાં કૉન્ગ્રેસની સરકાર હતી અને કૉન્ગ્રેસની સરકાર ખેડૂતોને પાક અવશેષ ન બાળવા માટે સમજાવવા કોઈ અસરકારક પગલાં લેતી નહોતી.
હવે ત્યાં આમઆદમી પાર્ટીની સરકાર બની રહી છે. સામાન્ય રીતે પંજાબનો પવન દિલ્હી જતો હોય છે પરંતુ પહેલી વખત દિલ્હીનો પવન પંજાબમાં ફુંકાયો છે. હવે અરવિંદ કેજરીવાલ દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી શકશે નહીં.
હવે તેઓ પંજાબની સરકાર સહકાર કરતી નથી તે ટાઈપના બહાના કાઢી શકશે નહીં. આમઆદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, અમે દિલ્હીમાં કર્યું છે એમ પંજાબમાં પણ બાયોડીકોમ્પોસ્ટર પર ભાર મૂકીશું. અમે સબસીડી આપશું અથવા ખેડૂતોને મફત આપવા વિશે વિચારીશું. તેમાં હેપી સીડર જેવી મશીનો પણ સામેલ છે.
જાે કે ખેડૂતોના પાક અવશેષનો નાશ કર્યા પછી દિલ્હીમાં પ્રદૂષણ કેટલું ઘટે છે તેનો પણ સાચો અંદાજ આવશે. એ પણ એક સત્ય છે કે પાક અવશેષ બાળવાનું બંધ કરાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ સાવ ઓછું થઈ જશે નહીં, કારણ કે દિલ્હીના પ્રદૂષણ માટે વીજળી પ્લાન્ટ, સ્થાનિક સ્ત્રોત અને ઇંટના ભઠ્ઠા પણ જવાબદાર છે.HS