કેજરીવાલ સરકારના કારણે નિર્ભયાના દોષીઓને ફાંસીની સજામાં વિલંબઃ ભાજપ
નવી દિલ્હી, નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવામાં વિલંબને લઈને હવે રાજકારણ શરુ થઈ ગયુ છે. દિલ્હીમાં ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર પર આરોપ લગાવીને કહ્યુ છે કે, આપ સરકારની ઢીલાશના કારણે દોષિતોને ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે.કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહ્યુ હતુ કે, છેલ્લા અઢી વર્ષમાં દિલ્હી સરકારે ગુનેગારોને દયાની અરજી દાખલ કરવા માટે નોટિસ કેમ નથી આપી..આ ગુનેગારો ફાંસી પર નથી લટક્યા કારણકે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની બેદરકારી જવાબદાર છે.
તેમણે કહ્યુ હતુ કે, 2017માં જ તેમની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને ફાંસીની સજા યથાવત રાખી હતી.એ પછી પ્રક્રિયાના ભાગરુપે તિહાડ જેલ પ્રશાસનને નોટિસ આપવી પડે છે કે, તમારે દયાની અરજી કરવાની છે.આ નોટિસ ગયા વર્ષે ઓક્ટોબર મહિના સુધી અપાઈ નહોતી.કેજરીવાલની સરકારને નિર્ભયાના ગુનેગારો માટે સહાનુભૂતિ છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે, અમારી સરકારે દયાની અરજી પર તરત જ એક્શન લીધુ હતુ.દિલ્હી સરકારે આરોપી મુકેશની દયા અરજી ફગાવી દેવાની ભલામણ તરત જ કરી હતી.