કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય: દિલ્હીમાં ઘરે-ઘરે રાશન પહોંચાડનારી યોજનાને મંજૂરી
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે મોટો નિર્ણય લેતા ઘરે-ઘરે રાશન યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. આ યોજના લાગૂ થવાથી લોકોએ રાશનની દુકાને જવું પડશે નહીં. સરકાર ગરીબ લોકોના ઘર સુધી રાશન પહોંચાડશે. દિલ્હીમાં દર મહિને લગભગ 72 લાખ લોકોને રાશનનો ફાયદો મળે છે.
કેજરીવાલે કહ્યુ કે, યોજના લાગૂ થવા પર લોકોને ઘરે રાશન પહોંચાડવામાં આવશે, તેમણે રાશનની દુકાને જવું પડશે નહીં. આ ખુબ ક્રાંતિકારી પગલું છે. વર્ષોથી અમારૂ સપનું હતું કે ગરીબને ઇજ્જતથી રાશન મળે, આજે તે સપનું પૂરુ થયું છે. કેજરીવાલે આગળ કહ્યુ, જે દિવસે દિલ્હી સરકારની મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના શરૂ થશે, તે દિવસે દિલ્હીમાં કેન્દ્ર સરકારની વન નેશન, વન રાશન યોજનાને પણ લાગૂ કરી દેવામાં આવશે.