કેટરીના કૈફ અને વિકી કૌશલની રોકા સેરેમની થઈ?
મુંબઈ, ડિસેમ્બરમાં લગ્ન કરતા પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલની હાલમાં રોકા સેરેમની યોજાઈ હતી. ફંક્શન કેટરીના કૈફના ફ્રેન્ડ અને એક થા ટાઈગરના ડિરેક્ટર કબીર ખાન તેમજ મીની માથુરના ઘરે યોજાયું હતું. કેટરીના કબીર ખાન સાથે ન્યૂયોર્ક અને એક થા ટાઈગર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
આ સિવાય એક્ટ્રેસ તેને રાખી ભાઈ પણ માને છે. રોકા સેરેમનીમાં, માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કેટરીનાની મમ્મી સુઝેન, બહેન ઈસાબેલ કૈફ, વિકીના માતા-પિતા શામ કૌશલ અને વીમા કૌશલ તેમજ ભાઈ સની કૌશલ સેરેમનીમાં હાજર રહ્યા હતા અને બંનેને આશીર્વાદ આપ્યા હતા.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ફોટોગ્રાફર્સ અને મીડિયાથી દૂર રહેવા માટે કેટરીના કૈફ અને વિકી કૌશલ અલગ-અલગ કારમાં કબીર ખાનના ઘરે પહોંચ્યા હતા. ઘરને રોશની અને ફૂલથી શણગારવામાં આવ્યું હતું.
દિવાળી પર રોકા સેરેમની થઈ હતી. રસપ્રદ રીતે, બંનેએ તેમની દિવાળીની ઉજવણીની તસવીરો શેર કરી હતી પરંતુ અંગત જીવનને અંગત રાખતા આ કપલે આ ખુશખબર કોઈને જણાવ્યા નહોતા.
વિકી કૌશલે શેરવાનીમાં તસવીર શેર કરી હતી, જ્યારે કેટરીના તસવીરમાં શિમરી પિંક સાડીમાં દેખાઈ હતી. કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનો સમારોહ ૭થી ૯ ડિસેમ્બર એમ ત્રણ દિવસ યોજાવાનો છે.
બંને રાજસ્થાનના ૭૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવાના છે. કેટરીના સબ્યસાચીએ ડિઝાઈન કરેલો લહેંગો પહેરવાની છે.
બંને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગતા હતા, પરંતુ કામની વ્યસ્તતાના કારણે રાજસ્થાન પર પસંદગી ઉતારી છે. અગાઉ કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, કેટરીના અને વિકીએ તેમના લગ્નનું આમંત્રણ કોઈને હજી સુધી મોકલ્યું નથી. સોશિયલ મીડિયા પર લગ્નની ખબર વાયરલ થઈ જતાં કેટરીના કૈફ થોડી ઉદાસ છે.
તે પોતાના અંગત જીવનની વાતો જાહેર કરતી નથી. જીવનની ખાસ ક્ષણ અંગે ખબર ફેલાઈ જતાં તેને આ વાત પસંદ આવી નથી. કપલે તેમના મિત્રોને પણ તારીખ કે લગ્નસ્થળ વિશે જણાવ્યું નથી.SSS