કેટલાક વિસ્તારોમાં ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Files Photo
અમદાવાદ: રાજ્યભરમાં એક તરફ બફારાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ૪થી ૬ જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં ૧૫ થી ૨૦ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી રાજ્યમાં થોડા સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હાલ દક્ષિણ,પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. આગામી ૪ જૂન, શુક્રવારના રોજ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, આણંદ,ભાવનગર,અમરેલીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે ૫ જૂનના દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં આ સાથે ૬ જૂનના દમણ,દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.
ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ ૩૧ મેના રોજ શરૂ થશે. સાથે જ ૫ દિવસ આગળ પાછળ ચોમાસું શરૂ થવાનું અનુમાન હતું. જાેકે ચોમાસાના આગમનને લઈ ગતિવિધિઓ સાનુકૂળ હતી પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસુ ૩૧ મેના બદલે હવે ૩ જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસુ દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં ૧૫ થી ૨૦ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે ગુજરાત ચોમાસાની સતાવાર શરૂઆત ૧૫ જૂનથી થાય છે. ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતમાં ૧૫થી ૨૦ જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રાફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.