કેડિલાની ZyCoV-D વેક્સિન 265 રુપિયા પ્રતિ ડોઝમાં મળશે

નવી દિલ્હી, ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનની કિંમત નક્કી થઈ છે. કેન્દ્ર સરકાર સ્વદેશી વેક્સિન ZyCoV-Dનો ડોઝ 265 રુપિયામાં ખરીદશે. જણાવી દઈએ કે એક દિવસ અગાઉ એટલે કે 7 નવેમ્બરે જ કેન્દ્ર સરકારે આ વેક્સિનના 1 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે.
આ વેક્સિન ટૂંક સમયમાં દેશના વેક્સિનેશન અભિયાનનો ભાગ બનવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, ZyCoV-D વેક્સિન શરૂઆતમાં પુખ્ત વયના લોકોને આપવામાં આવશે. ઝાયકોવ-ડી એ દેશમાં ઉત્પાદિત ત્રણ ડોઝની સોઈ મુક્ત વેક્સિન છે. તે કોરોના સામે DNA પર આધારિત પ્રથમ વેક્સિન પણ છે.
ઝાયકોવ-ડી એક DNA-પ્લાઝ્મિડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઈમ્યુનિટીને વધારવા માટે જિનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. જે રીતે અમેરિકા સહિત અનેક દેશોમાં લાગી રહેલી ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરે છે, એ રીતે આ પ્લાઝ્મિડ-DNAનો ઉપયોગ કરે છે.
mRNAને મેસેન્જર RNA પણ કહી શકાય, જે શરીરમાં જઈને કોરોના વાઇરસ વિરુદ્ધ એન્ટિબોડી બનાવવાનો મેસેજ આપે છે, જ્યારે પ્લાઝ્મિડ માનવ કોશિકાઓમાં રહેલા એક નાના DNA મોલેક્યુઅલ હોય છે, આ DNA સામાન્ય ક્રોમોઝોમ DNAથી અલગ હોય છે. પ્લાઝ્મિડ-DNA સામાન્ય રીતે બેક્ટેરિયલ સેલમાં જોવા મળે છે અને સ્વતંત્ર રીતે રેપ્લિકેટ થઈ શકે છે.
ઝાયકોવ-ડી એક નીડલ ફ્રી વેક્સિન છે. આ જેટ ઈન્જેક્ટરથી લાગશે. જેટ ઈન્જેક્ટરનો ઉપયોગ અમેરિકામાં સૌથી વધુ થાય છે. એનાથી વેક્સિનને હાઈપ્રેશરના લોકની સ્કિનમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જ્યારે સામાન્ય રીતે જે નીડલ ઈન્જેક્શન યુઝ થાય છે, એનાથી ફ્લુઈડ કે દવા મસલ્સમાં જાય છે. જેટ ઈન્જેક્ટરમાં પ્રેશર માટે કમ્પ્રેસ્ડ ગેસ કે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. આ ડિવાઈસનું સંશોધન 1960માં થયું હતું. WHOએ 2013માં એના ઉપયોગની અનુમતિ આપી હતી.