કેડીસીસીમાં બંન્ને જીલ્લાને પ્રતિનિધિત્વ
(પ્રતિનિધિ) પેટલાદ, બૃહદ ખેડા જીલ્લામાં સૌથી મોટી ગણાતી ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક આવેલ છે. આ બેંકના સંચાલક મંડળની ચૂંટણીઓ ગત મહિને યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થતાં સત્તા પરિવર્તન થયું હતું. જેના ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી આજરોજ યોજાઈ હતી. જેમાં ચેરમેનપદે વિપુલ પટેલ (ડુમરાલ – નડીયાદ) તથા વા.ચેરમેનપદે રાજેન્દ્ર પરમાર (ગોલાણા – ખંભાત) ની બિનહરીફ વરણી થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બૃહદ ખેડા જીલ્લાની સૌથી મોટી કેડીસીસી બેંકોનો પાયો સન ૧૯૪૯માં નંખાયો હતો. આ બેંકનું કામકાજ હાલ ખેડાના ૧૦, આણંદના ૮ તથા મહિસાગર જીલ્લાના ૨ તાલુકાઓમાં પથરાયેલ છે. અંદાજીત બે હજાર કરોડના વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ બેંકની ૮૪ જેટલી શાખાઓ કાર્યરત છે.
આ બેંક સાથે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો સંકળાયેલ છે. આ બેંકનું સંચાલક મંડળ ચાર વિભાગમાં વહેંચાયેલ છે. જેમાં સેવા સહકારી મંડળી, બેંક – ક્રેડીટ સોસાયટી, દૂધ મંડળી – ઈતર મંડળી તથા વ્યક્તિ ગત વિભાગનો સમાવેશ થાય છે.
આ ચાર વિભાગની ૨૧ બેઠકો ઉપર ડિરેક્ટરો ચૂંટાય છે. ચાલુ વર્ષે આ બેંકની સામાન્ય ચૂંટણી ગત મહિને યોજાઈ હતી. વર્ષોથી આ બેંકમાં કોંગ્રેસનું શાસન ચાલતું આવ્યું હતું. પરંતુ આ વખતે સત્તાપરિવર્તન થતાં ૨૧માંથી ૧૩ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો. તેમાંય આ વખતે સૌપ્રથમ વખત ભાજપ દ્વારા તમામ ઉમેદવારોને મેન્ડેટ સાથે ચૂંટણીમાં ઉતાર્યા હતા. આમ છેલ્લા ૭૦ વર્ષ બાદ સૌપ્રથમ વખત કેડીસીસીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
ત્યારબાદ આજરોજ સવારે ૧૧ કલાકે કેડીસીસી બેંકની મુખ્ય કચેરીના સભાખંડમાં ચેરમેન અને વા.ચેરમેન પર માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે નડીયાદના પ્રાંત અધિકારી એમ કે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ દ્વારા ચેરમેન પદ માટે વિપુલ પટેલ તથા વા.ચેરમેન પદ માટે રાજેન્દ્ર પરમારને ઉમેદવારીપત્રો ભરાવવામાં આવ્યા હતા.
જેઓની સામે અન્ય કોઈજ ઉમેદવારીપત્રો નહિં ભરાતા આ બંન્નેને બિનહરિફ વિજેતા ચૂંટણી અધિકારીએ જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આજની આ ચૂંટણીમાં મતાધિકાર માટે ભાજપના ૧૩, કોંગ્રેસના ૮ સહિત જીએસસી બેંકના પ્રતિનિધિ અને જીલ્લા રજીસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા.