કેદારનાથમાં ૫૦ વર્ષથી વધુ વયના યાત્રીને હેલ્થ ચેકઅપ બાદ જ મંજૂરી મળશે
હાર્ટએટેકના લીધે ૧૦ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવતાં લેવાયો નિર્ણય
નવી દિલ્હી, હવે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ભક્તો આરોગ્ય તપાસ બાદ જ કેદારનાથના દર્શન કરી શકશે. કેદારનાથધામમાં હાર્ટએટેકના કારણે થયેલા મોતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. મહત્વનું છે કે, તેના માટે વહીવટી તંત્ર દ્વારા સોનપ્રયાગમાં આવા ભક્તોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે, ચાર ભક્તો હેલ્થ ચેકઅપ દરમિયાન અયોગ્ય મળી આવ્યા હતા, જેમને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં ૧૦ શ્રદ્ધાળુઓના કાર્ડિયાકને કારણે મોત થયા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ભક્તોની તપાસ માટે સોનપ્રયાગમાં ચાર ટીમો તૈનાત કરી છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું હતું કે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ભક્તોને આરોગ્યની ફરજિયાત તપાસ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે હોલ્ટ પર શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માહિતી પણ આપવામાં આવી રહી છે. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ઘણા શ્રદ્ધાળુઓ ગરમ વસ્ત્રો વિના કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે અને ત્યાં હાયોપોથર્મિયાનો શિકાર બની રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભક્તોને કેદારપુરીના હવામાન વિશે સાચી માહિતી નથી.
આ સિવાય બીમાર વૃદ્ધ લોકો પણ કેદારનાથ પહોંચી રહ્યા છે. જેમની આરોગ્ય તપાસ જરૂરી છે. રુદ્રપ્રયાગના ડીએમ મયૂર દિક્ષીત પોતે કેદારનાથ ધામ અને પગપાળા તમામ વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. વીઆઇપી દર્શન પર પ્રતિબંધ બાદ મંદિર પરિસરમાં દર્શનની વ્યવસ્થામાં ઘણો સુધારો થય છે.
ધામમાં વધુ ૭૫ શૌચાલય બનાવવામાં આવ્યા છે. પદયાત્રીઓના માર્ગ પર સ્વચ્છતા માટે સફાઇ કામદારોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ગુરુવારથી વીઆઇપી મુલાકાતો પર પ્રતિબંધ મુક્યો હતો.