કેદારનાથ હેલિકોપ્ટર રાઇડ માટે ઓનલાઇન બુકીંગમાં મુલુંડની મહિલાએે ૨.૮૭ લાખ ગુમાવ્યા

મુંબઇ, મુલુંડમાં રહેતી એક મહિલાને તેમના સંબંધીઓ માટે કેદારનાથની હેલિકોપ્ટર રાઇડ માટે ઓનલાઇન બુકીંગ કરવું ભારે પડયું હતું. સાયબર ફ્રોડસ્ટરે છેતરપિંડી આચરી મહિલાના ૨.૮૭ લાખ રૃપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ મહિલાએ મલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
આ સંદર્ભે મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તે એક ઇન્સ્યુરન્સ કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેના પિતા રિક્ષા ડ્રાઇવર છે. તેમના કુટુંબના અમૂક લોકો અને પરિચિત મળી કુલ ૫૫ વ્યક્તિઓ ચાર ધામ ચાત્રા પર જવા માગતા હતા. મહિલાએ આ સંદર્ભે તેમના કેદારનાથની યાત્રા માટે હેલિકોપ્ટર રાઇડ બુક કરવાનું નક્કી કર્યું હતું.
મહિલાએ પ્રથમ આઇ ટિકિટ બુક કરાવી હતી પણ તેને વધુ ટિકિટની જરૃર હોવાથી તેણે ગુગલ પર સર્ચ કરી એક વ્યક્તિનો સંપર્ક કર્યોહતો. જાેકે આ વ્યક્તિ સાયબર ફ્રોડસ્ટર હતો અને તેણે મહિલાને કન્ફર્મ ઓનલાઇન બુકીંગ કરી આપવાની ખાતરી આપી હતી. તેણે મહિલાને
તેના વોટ્સએપ નંબર પર વધુ વિગત મોકલવા જણાવ્યું હતું મહિલાએ વોટ્સએપ પર વધુ વિગત મોકલી ગુગલ-પે થી અમૂક રકમ મોકલી આપી હતી.
મહિલાનો વિશ્વાસ મેળવવા સામેથી તરત જ વોટ્સએપ પર બનાવટી ટિકિટ મોકલી આપવામાં આવી હતી. મહિલાને ભરોસો બેસી જતા તેણે બીજી ૧૯ ટિકિટ બુક કરાવી ૯૦,૦૦૦ રૃપિયા ચૂકવ્યા હતા. આ વ્યક્તિએ મહિલાને બીજા ૩૨૨૦૭ રૃપિયા ઇન્સ્યુરન્સ રકમ તરીકે ચૂકવવા જણાવ્યું હતું પણ મહિલાએ નકારી કાઢ્યું હતું.
મહિલાએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે થોડા સમય બાદ તેના ખાતામાંથી પાંચ ટ્રાઝેકશન દ્વારા ૧.૯૮ લાખ રૃપિયા ડેબિટ થઇ ગયા હતા. આ ઘટના બાદ મહિલાને છેતરાઇ હોવાની ભાવના થતા તેણે તરત જ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણી વ્યક્તિ સામે આઇપીસી અને આઇટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.HS