કેનાલમાં ન્હાવા ગયેલો અમદાવાદનો યુવાન ૬ માસથી લાપત્તા, ચાર મિત્રો સામે ફરિયાદ
સાંતેજ પોલીસમાં યુવાનની માતાની ફરિયાદ, મોત નિપજાવી લાશ ઠેકાણે પાડી હોવાનો આક્ષેપ
ગાંધીનગર, અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના પાંચ મિત્રો કલોલ તાલુકાની દંતાલી ગામ નજીક નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે એક યુવક ડૂબી ગયો હતો તે બનાવને ૬ માસ થવા છતાં યુવાનનો પત્તો નહીં લાગતા તેની માતાએ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમાં પુત્રના ચાર મિત્રો સામે આક્ષેપ કર્યો છે કે મારા પુત્રનું મોત નિપજાવી લાશ ઠેકાણે પાડી હશે કે તેને કોઈ અજાણી જગ્યાએ ગોંધી રાખ્યો હશે, તેવી શંકા છે તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સાંતેજ પોલીસમાં રૂબીબેન પ્રજાપતિ (રણછોડરાય નગર, ચાંદલોડિયા, અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવેલી વિગત મુજબ તેમનો પુત્ર સની (ઉ.વ.ર૧) તા.૩૧ માર્ચના રોજ રણછોડરાય નગરમાં રહેતા તેના ચાર મિત્રો ન્હાવા માટે જતા હોઈ દંતાલી કેનાલ પર લઈ ગયા હતા.
તે પછી મારા નાના પુત્ર રવિના મોબાઈલ ફોન ઉપર દિપકના ફોન નંબરથી કોલ આવતા સામેથી વાત કરનારે કહ્યું હતું કે હું દંતાલી કેનાલથી બોલુ છું અહી કેનાલમાં ન્હાવા માટે પાંચ છોકરા આવ્યા હતા. તેમાથી તમારો પુત્ર સની ડૂબી ગયો છે તેના ચાર મિત્રોને મેં કેનાલ ઉપર બેસાડી રાખ્યા છે જેથી તમે દંતાલી કેનાલ ઉપર આવી જાઓ.
આવી વાત જાણી અમે કેનાલ ઉપર ગયા ત્યારે સનીના ચાર મિત્રો બેઠા હતા તેમને પુછતા તમામે કહ્યું હતું કે સની ન્હાવા કેનાલમાં ઉતર્યો ત્યારે પાણીનું વહેણ વધારે હોવાથી તે ડૂબી ગયો હતો. જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ આવી હતી અને લાંબા સમય સુધી કેનાલમાં તપાસ કરવા છતાં સનીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
જેથી પોલીસમાં જાણવાજોગ દાખલ કરી હતી તેમ છતાં ૬ મહિના થવા છતાં સનીની કોઈ ભાળ મળતી નથી જેથી તેના ચાર મિત્રોએ સનીને મારી નાખી લાશ સગેવગે કરી હશે અથવા તેને ક્યાંક ગોંધી રાખ્યો હોવાની અમને શંકા છે. આથી સાંતેજ પોલીસે લાપત્તા યુવકના ચારેય મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.