કેનેડાના ટોરોન્ટોમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત, ૨ ઘાયલ
ટોરોન્ટો, કેનેડાના ટોરોન્ટો શહેર પાસે એક અકસ્માતમાં ૫ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય બે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે.
કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આ માહિતી આપી છે. મૃતકોની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે થઈ છે. તેમની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ગ્રેટર ટોરોન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના વિદ્યાર્થીઓ હતા. તેઓ હાઈવે પર પેસેન્જર વાનમાં પશ્ચિમ તરફ જઈ રહ્યા હતા.
શનિવારે સવારે લગભગ ૩.૪૫ વાગ્યે ટ્રેક્ટર-ટ્રેલર એકબીજા સાથે અથડાયા હતા. જેમાં આ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ અન્ય બે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ અંગે કોઈ અપડેટ મળી નથી. અકસ્માતની તપાસ ચાલુ છે. આ કેસમાં હજુ સુધી કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી.SSS