કેનેડાની ટિકિટ ત્રણ ગણી વધારે મોંઘી થઈ ગઈ
અમદાવાદ, અત્યારે મોટી સંખ્યામાં લોકો કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યા છે. જાે તમે પણ કેનેડાની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય અને જાન્યુઆરી મહિનામાં જવાનો પ્લાન હોય તો તમારે વધારે ખિસ્સા ખંખેરવા માટે તૈયાર રહેવું પડશે. કેનેડાનું વન-વે ભાડું ત્રણ ગણું વધીને દોઢ લાખથી વધારે થઈ ગયું છે. અત્યારે એડમિશન ઈનટેકનો સમય હોવાને કારણે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કેનેડાની ટિકિટ ઉપલબ્ધ જ નથી.
આ કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. પાછલા થોડા સમયથી ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા અભ્યાસ કરવા જવાનો ક્રેઝ વધી ગયો છે. જાન્યુઆરી મહિનામાં એડમિશન ઈનટેક હોવાને કારણે ત્યાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. આ કારણે ટોરન્ટોનું ભાડું આસમાને પહોંચ્યું છે.
અત્યારે વન-વેની ટિકિટની કિંમત દોઢ લાખથી વધી ગઈ છે. સામાન્ય દિવસોમાં વન-વે ટિકિટ ૪૫થી ૫૦ હજારની વચ્ચે હોય છે. પરંતુ કોરોના પછી સ્પેશિયલ ફ્લાઈટ ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓએ ત્રણ ગણું વધારે ભાડું ચૂકવવું પડશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા કેનેડાની ટિકિટ અઢીથી ત્રણ લાખની થઈ ગઈ હતી.
અત્યારે પણ ખાનગી એરલાઈન્સના ભાવ ઘણાં વધારે છે અને કોરોનાની સ્થિતિને કારણે ફ્લાઈટ ગમે ત્યારે કેન્સલ થઈ જવાનો ડર હોવાને કારણે વિદ્યાર્થીઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જવાનું વધારે પસંદ કરે છે. એક વિદ્યાર્થી જણાવે છે કે, મારા વિઝા આવી ગયા છે અને ૧૦ જાન્યુઆરી સુધી પહોંચવુ જરુરી છે. મને એર ઈન્ડિયાની ટિકિટ મળતી નથી. મજબૂરીમાં મારે પ્રાઈવેટ એરલાઈનમાં ટિકિટ બુક કરાવવી પડશે.
એર ઈન્ડિયાએ પાછલા એક અઠવાડિયાથી આઈટા રજિસ્ટર્ડ એજન્ટોનું બુકિંગ બંધ કર્યું છે. જેના કારણે જાે અત્યારે કોઈએ ટિકિટ લેવી હોય તો એર ઈન્ડિયાની વેબસાઈટ પરથી અથવા તો ઓફિસ પર જઈને લેવી પડે છે. વેબસાઈટ પરથી બુકિંગ કરવાનું કામ મુશ્કેલ હોવાને કારણે મોટાભાગના લોકો ઓફિસે જતા હોય છે. દેશભરના ટ્રાવેલ એજન્ટના બુકિંગ સિસ્ટમ કેમ બંધ કરવામાં આવ્યા છે તેની જાણકારી હજી એર ઈન્ડિયા તરફથી આપવામાં નથી આવી.SSS