કેનેડામાં ડેઝિગ્નેટેડ ખાલિસ્તાની આતંકી અર્શ ડાલાની ધરપકડ
ડાલા આતંકી નિજ્જરનો ખાસ સહયોગી રહી ચૂક્યો છે
કેનેડા સાથેની રાજદ્વારી ચેનલો બંધ હોવાથી બંને દેશો વચ્ચે માહિતીની આપ-લે નથી કરાઈ
નવી દિલ્હી,ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરના સહયોગી અર્શ ડાલાની કેનેડામાં ધરપકડ કરાઈ છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું છે કે કેનેડામાં ગયા મહિને ૨૭-૨૮ ઓક્ટોબરે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં અર્શ ડાલા સામેલ હોવાનું કહેવાય છે. આ કેસમાં તેની અટકાયત કરવામાં આવી હતી. એ પછી ધરપકડ પણ કરાઇ હોવાનું સુત્રો જણાવે છે. જો કે કેનેડાની સરકાર કે પોલીસે હજુ સુધી અર્શ ડાલાની ધરપકડ કે અટકાયતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.પ્રાપ્ત માહિતી મુજબ, હાલ્ટન વિસ્તારમાં ગોળીબારની ઘટના થઇ હતી. બે લોકો ગુએલ્ફની એક હોસ્પિટલમાં ગયા હતા. એકને સારવાર આપીને છોડી દેવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય વ્યક્તિ હેમખેમ બચી ગઇ હતી. જો કે, કેનેડિયન એજન્સીઓએ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના નામ કે ઓળખ જાહેર કરાયાં નથી, જેના કારણે શંકા વધુ ઘેરી બની રહી છે કે કેનેડિયન પોલીસ અર્શ ડાલા વિશે સત્ય જાહેર કરવા નથી ઈચ્છતી. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે આવા ઘણા ઈનપુટ અને સચોટ માહિતી છે કે અર્શ ડાલા લાંબા સમયથી કેનેડામાં રહે છે. જાન્યુઆરી ૨૦૨૩માં, ગૃહ મંત્રાલયે અર્શદીપ દલાને આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યાે હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્શ ડાલાને અટકાયતમાં લીધા બાદ તેને છોડી મૂકાયો છે કે તે હજુ પણ જેલમાં છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જણાવી દઈએ કે હાલમાં કેનેડા સાથેની તમામ રાજદ્વારી ચેનલો બંધ છે. તેથી બંને દેશો વચ્ચે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી રહી. કેનેડામાં માર્યા ગયેલા આતંકવાદી અને ચીફ હરદીપ સિંહ નિજ્જર અર્શ ડાલાને સૂચનાઓ આપતો હતો. અર્શ ડાલા પંજાબના મોગાનો રહેવાસી છે.ss1