કેનેડા જવાની લાલચમાં લાખો રૂપિયાની છેતરપીંડી
નવરંગપુરા પોલીસે વિની ઇમીગ્રેશન કંપનીના મહિલા કર્મચારી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી
(એજન્સી)અમદાવાદ,
ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ જાણીતો છે. જેનો લાભ ઘણીવાર લેભાગુ એજન્ટ્સ અપનાવતા હોય છે. કેનેડામાં પીઆર અને લાઈસન્સના સપના બતાવી મહિલાએ રૂ ૫૮ લાખની ઠગાઈ આચરી હતી. નવરગપુરમાં આવેલી વિની ઈમીગ્રેશન એન્ડ એજયુકેશન પ્રાઈવેટ લિમિટેડની ઓફીસની કર્મચારીએ ૫ લોકોને વિદેશમાં કન્સલન્ટસી કંપની બનાવવાની અલગ અલગ દેશોના લાઈસન્સ આપવાના બહાને રૂપિયા પડાવ્યા હતા.
નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના નવરંગપુરા લા ગાર્ડન પાસે આવેલી એક ઇમીગ્રેશન કંપનીના સંચાલકે મણિનગરમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડાના પીઆર અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધા બાદ રજીસ્ટ્રર્ડ ઇમીગ્રેશન કંપની શરૂ કરવામાં મદદ કરવાના બહાને પણ નાણાં લઇને કુલ ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે અંગે નવરંગપુરા પોલીસે વિની ઇમીગ્રેશન કંપનીના મહિલા કર્મચારી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
કૈલાશ પાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઇ પટેલ રખીયાલમાં લોંખડના લે વેચનો વ્યવસાય કરે છે. તેમની દીકરી કેનેડા ખાતે રહે છે. જ્યારે તેમનો પુત્ર સર્જન વકીલાતનો વ્યવસાય કરે છે. જો કે તેને પત્ની સાથે કેનેડા જવાની યોજના હોવાથી તે ગત નવેમ્બર ૨૦૨૨માં તે લા ગાર્ડન પાસે આવેલી વિની ઇમીગ્રેશનની ઓફિસમાં સંપર્ક કર્યો ત્યારે ત્યાં કામ કરતા મહિલા કર્મચારી હેતલ ત્રિવેદી (રહે.પાર્થ સારથી ટાવર, થલતેજ)નો સંપર્ક કર્યો હતો. જેમાં સાડા પાંચ લાખમાં બનેને કેનેડામાં પીઆર વિઝાની ખાતરી આપી હતી.
જો કે વિવિધ પ્રોસેસ ફીના નામે હેતલ ત્રિવેદીએ સાડા લાખ રૂપિયાની રકમ લઇને લીધા બાદ પણ કેનેડા મોકલવાની કામગીરી કરી નહોતી. આ દરમિયાન મહેશભાઇને જ પોતાની રજીસ્ટ્રર્ડ ઇમીગ્રેશન કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. જે અંગે તેમના દીકરા પુત્રને વાત કરી હતી. જેથી પુત્રએ તેમને ઇમીગ્રેશન કંપની શરૂ કરવાની ખાતરી હતી.
જે માટે મહિલાએ બિઝનેસ પ્રોજેક્ટ, અમેરિકા, કેનેડા, ઇંગ્લેડ અને દુબઇ જેવા દેશોના ઇમીગ્રેશન લાયસન્સ સહિતની કામગીરીના નામે ૩૨ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. તે પછી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાએ સર્જન પટેલ અને અન્ય લોકો સાથે આ મોડ્સ ઓપરેન્ડીથી કુલ રૂપિયા ૫૮ લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કૌભાંડની રકમમાં વધારો થઇ શકે છે.