કેનેડા-નોર્વેના વિઝા અપાવવાનું કહી ૫૮ લાખનો ચૂનો લગાવ્યો
અમદાવાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી એક વિઝા કન્સલ્ટન્સી કંપનીના માલિકે ત્રણ શખ્સ વિરુદ્ધ ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ૫૭ વર્ષીય મહેબૂબ ખાન પઠાણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાયન્સ સિટી વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ, કે જે હાલ અમેરિકામાં છે, તેણે તેના બે સાથીઓ સાથે મળીને કેનેડા તેમજ નોર્વેના વિઝા અપાવવાનું વચન આપીને તેમની સાથે છેતરપિંડી આચરી હતી.
જુહાપુરામાં રહેતા મહેબૂબ ખાન પઠાણ અન્ય ત્રણ સાથે ભાગીદારીમાં એજ્યુકેશન વિઝા કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે. ફરિયાદ મુજબ, ડિસેમ્બર ૨૦૧૯માં ભાગીદારોમાંથી એક અમૃતા કુશવાહાએ પઠાણને જણાવ્યું હતું કે, તે મનોજ શર્મા નામના એક વ્યક્તિને ઓળખે છે, જે તેમને સરળતાથી વિઝા મેળવવામાં મદદ કરી શકે છે.
મનોજ શર્માએ મને ખાતરી આપી હતી કે તે ૧૫ લાખમાં કેનેડા અને ૬.૫૦ લાખમાં નોર્વેના વિઝા અપાવી શકે છે. તેણે મને કહ્યું હતું કે, કેનેડાના વિઝા માટે ૧.૫૦ લાખ રૂપિયાની એડવાન્સ રકમ અને અન્ય વિઝા માટે ૨ લાખ રૂપિયા આપવા પડશે’, તેમ પઠાણે તેમની ફરિયાદમાં કહ્યું હતું.
શર્માએ પઠાણને ખાતરી આપી હતી કે તે વિદેશ જતા લોકો માટે નોકરીની વ્યવસ્થા કરશે અને જાે વિઝા ન મળે તો પૈસા તરત જ પરત કરી દેશે. પઠાણે કહ્યું હતું કે, તેમણે શર્માને અને તેના બે સાથીને ૨૬ ક્લાયન્સના વિઝા મેળવવા માટે ૫૮ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
પૈસા ડિસેમ્બર ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આંગડિયા દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. બે વર્ષ બાદ પણ મનોજ શર્માએ વચન પ્રમાણે વિઝા ન અપાવતા પઠાણે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે શર્મા અને તેના બે સાથીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.SSS