કેનેડા-ભારત વચ્ચે શરૂ થશે સીધી ફ્લાઈટ

પ્રતિકાત્મક
નવી દિલ્હી ઃ કેનેડામાં રહેતા હજારો ભારતીયો માટે સારા સમાચાર છે. કેનેડાએ લગભગ પાંચ મહિના બાદ ભારતથી આવતી સીધી ફ્લાઈટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે ગંભીર રૂપ ધારણ કરતાં કેનેડાએ એપ્રિલ મહિનામાં સીધી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
હવે પ્રતિબંધ દૂર થતાં એર કેનેડા સોમવાર (૨૭ સપ્ટેમ્બર)થી બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઈટ શરૂ કરી શકે છે. આ તરફ ભારતની સરકારી કંપની એર ઈન્ડિયા ૩૦ સપ્ટેમ્બરથી ફ્લાઈટ શરૂ કરી શકે છે. ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટિ્વટ કરીને જાણકારી આપી છે કે, ૨૭ સપ્ટેમ્બરથી ભારતથી આવનારી સીધી ફ્લાઈટ કેનેડામાં લેન્ડ કરી શકે છે.
જાેકે, મુસાફરોએ કેટલાક ખાસ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કેનેડા જતાં ભારતીય મુસાફરોએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્થિત જીનસ્ટ્રિંગ્સ લેબમાંથી કોવિડ-૧૯ મોલિક્યુલર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. આ ટેસ્ટ ઉડાણ ભરવાના ૧૮ કલાકની અંદરનો હોવો જાેઈએ.
બોર્ડિંગ પહેલા એર ઓપરેટર આ રિપોર્ટની તપાસ કરશે જેથી મુસાફર કેનેડા જવા માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરી શકે. -જાે મુસાફર અગાઉ કોરોનાથી સંક્રમિત થયો હોય તો તેણે સર્ટિફાઈડ લેબમાંથી મોલિક્યુલર ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ બતાવાનો રહેશે.