કેનેડા સરકારે ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાંઃ કેન્દ્ર સરકાર
ભારતીય અધિકારીઓ પર ઓડિયો-વીડિયોથી સતત સર્વેલન્સ
ભારત સરકારે ૨ નવેમ્બર, ૨૦૨૪એ આ મુદ્દા પર નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતા
નવી દિલ્હી,
વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન સત્તાવાળાઓએ જાણ કરી હતી કે તેઓ ઓડિયો અને વીડિયો સર્વેલન્સ હેઠળ છે અને આવી દેખરેખ રહેશે તથા તેમના ખાનગી સંદેશાવ્યવહારને પણ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે, એવી સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી. કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ટાર્ગેટ કરતી સાયબર સર્વેલન્સ અથવા અન્ય પ્રકારની દેખરેખની કોઇ ઘટના બની છે કે નહીં તેવા સવાલના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે હા. તાજેતરમાં વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના કોન્સ્યુલર અધિકારીઓને કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઓડિયો અને વીડિયો સર્વેલન્સ હેઠળ છે અને રહેશે તથા તેમના ખાનગી સંદેશાવ્યવહારને પણ ઇન્ટરસેપ્ટ કરવામાં આવે છે.
ભારત સરકારે ૨ નવેમ્બર, ૨૦૨૪એ આ મુદ્દા પર નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે આવા પગલાં તમામ રાજદ્વારી જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાજેતરના મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલય ના પ્રવક્તાનો જવાબ ટાંકીને પ્રધાને જણાવ્યું હતું કે ટેકનિકલ બાબતોનું બહાનું કાઢીને કેનેડિયન સરકાર એ હકીકતને યોગ્ય ઠેરવી શકતી નથી કે તે પજવણી અને ધાકધમકી આપી રહી છે. અમારા રાજદ્વારી અને કોન્સ્યુલર કર્મચારીઓ પહેલેથી જ ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં કામ કરી રહ્યા છે. કેનેડિયન સરકારની આ કાર્યવાહી સંબંધોને વધુ ખરાબ કરે છે અને સ્થાપિત રાજદ્વારી ધોરણો અને પ્રથાઓ સાથે અસંગત છે. ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની માહિતી આપતા પ્રધાને જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સલામતી અને સુરક્ષાના પ્રશ્ન પર ભારત સરકાર સતત કેનેડિયન સત્તાવાળાના સંપર્ક રહે છે.ss1