કેન્દ્રએ પશ્ચિમ બંગાળમાં રાહત કાર્યો અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે સંકલનના પ્રયાસો અને પુનઃસ્થાપનના પગલાં સતત ચાલુ રાખતા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC)ની આજે પાંચમી બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે લેવામાં આવેલા પગલાંનું હવાઇ નિરીક્ષણ કર્યા પછી તેમણે કરેલી જાહેરાત અનુસાર, રૂપિયા 1000ની આર્થિક સહાય પહેલાંથી જ રાજ્ય સરકારને આપી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે રાજ્યમાં રાહત કાર્યો અને પુનઃસ્થાપન કામગીરી માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી આ આર્થિક સહાય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી અને ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃસ્થાપનનની કામગીરીને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઇ ગઇ છે જ્યારે, સ્થાનિક વીજ વિતરણ નેટવર્કને ભારે નુકસાન થયું હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજળીના વિતરણની કામગીરી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં અસર પડી છે. કેન્દ્રીય એજન્સીઓને આસપાસના રાજ્યોમાંથી આ વિસ્તારોમાં પુનઃસ્થાપનના પ્રયાસો માટે મદદરૂપ થવા નિયુક્ત કરવામાં આવી છે. દરમિયાન, સૈન્યને કોલકાતામાં મદદ માટે મોકલવામાં આવ્યું છે જેથી NDRF અને SDRFની ટીમોની સાથે સાથે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરીમાં તેઓ પણ મદદરૂપ થઇ શકે.
પુનઃસ્થાપનની કામગીરીમાં થયેલી પ્રગતીની નોંધ લેતા કેબિનેટ સચિવે સલાહ આપી હતી કે, સંપૂર્ણ વીજ કનેક્ટિવિટી, ટેલિકોમ સેવા અને પીવાના પાણીનો પૂરવઠો પ્રાથમિકતાના ધોરણે ફરી સામાન્ય સ્થિતિમાં થવો જોઇએ. કેન્દ્રીય એજન્સીઓ રાજ્યની જરૂરિયાત અનુસાર વધુ કોઇપણ મદદ કરવા માટે તૈયાર છે. પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે જેથી રાજ્યની માંગ અનુસાર તેનો પૂરવઠો પહોંચાડી શકાય. ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યમાં નુકસાનનું આકલન કરવા માટે ટુંક સમયમાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવશે.
કેબિનેટ સચિવે પણ સૂચન કર્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકારને જો કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેઓ સૂચિત કરી શકે છે અને કેન્દ્રીય મંત્રાલયો/ એજન્સીઓના અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, તેઓ રાજ્ય સરકાર સાથે નીકટતાપૂર્વક સંકલનમાં રહે જેથી ઝડપથી કોઇપણ જરૂરી મદદ પહોંચાડી શકાય.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી NCMCની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે પણ ભાગ લીધો હતો. ગૃહ મંત્રાલય, વીજળી, ટેલિકમ્યુનિકેશન, અન્ન અને જાહેર વિતરણ, આરોગ્ય, પીવાલાયક પાણી અને સફાઇ મંત્રાલયના વરિષ્ઠિ અધિકારીઓ, HQ IDS, NDMA અને NDRF પણ આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા.