કેન્દ્રએ રાજ્યોને કોરોના ટેસ્ટ વધારવા સુચના આપી
નવી દિલ્હી, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તત્કાલ કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધારવાનું કહ્યું છે. પોતાની એડવાઇઝરીમાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાના વિસ્તાર પ્રમાણે પોઝિટિવિટી ટ્રેન્ડને જાેતા ટેસ્ટિંગની સંખ્યા રણનીતિક રીતે વધારવી જાેઈએ.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેરિએન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે અને તે હાલ દેશમાં ફેલાય રહ્યો છે. કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી સામે લડવામાં ટેસ્ટિંગ મહત્વનું છે. પરંતુ આઈસીએમઆર પોર્ટલ પર હાજર ડેટા દર્શાવે છે કે ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણ છે, તેનો ટેસ્ટ કરવો જાેઈએ. આ સિવાય રિસ્ક વાળા લોકો જે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે તેનો પણ ટેસ્ટ કરવો જાેઈએ. મંત્રાલયે પહેલાના પત્રો અને પાછલા વર્ષે ૨૭ ડિસેમ્બરે ઓમિક્રોન વેરિએન્ટના સંદર્ભમાં મહામારી મેનેજમેન્ટની વ્યાપક રૂપરેખા તૈયાર કરવાની ગૃહ મંત્રાલયની સલાહનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે કોરોનાની ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ વિષય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨,૩૮,૦૧૮ કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા ૨૦,૦૭૧ કેસ ઓછા છે. હાલ દેશમાં ૧૭,૩૬,૬૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી ૩૧૦ દર્દીઓના એક દિવસમાં મૃત્યુ થયા છે.
દેશમાં હાલ પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. જે ઘટીને ૧૪.૪૩% થયો છે. દેશમાં હાલ ઓમિક્રોનના કેસ વધીને ૮૮૯૧ થયા છે. જેમાં ગઈ કાલ કરતા ૮.૩૧% નો વધારો થયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૪.૦૯% થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ ૧૪.૯૨% છે. દેશમાં સોમવારે મણિપુરમાંથી મોટી સંખ્યામાં ઓમિક્રોનના કેસ મળ્યા હતા. અહીં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને હવે ૩૯ થઈ જ્યારે એક દિવસ પહેલા તે ફક્ત ૭ હતી.SSS