કેન્દ્રના 30 લાખ કર્મચારીઓને દિવાળી બોનસ મળશે
નવી દિલ્હી, વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી કેન્દ્રના 30 લાખ કર્મચારીઓ દિવાળી બોનસ મળશે.
કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. તેણે જણાવ્યું કે, તુરંત પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 2019-2020 માટે ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસ અને બિન ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસને મંજુરી આપી દીધી. આ જાહેરાતથી 30 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને તેનાથી કુલ 3737 કરોડનો ખર્ચો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે, પોસ્ટ, ડિફેન્સ, EPFO, ESIC જેવા વિભાગોના નોન ગેઝેટેડ કર્મચારીઓને વર્ષ 2019-2020 માટે બોનસ ચુકવવા માટે પોતાની મંજુરી આપી દીધી છે.