કેન્દ્રનો નિર્દેશઃ આવતીકાલથી શરુ થતી જીટીયુ સહિત તમામ પરીક્ષાઓ રદ
અમદાવાદ, ગુજરાતમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. જેની જાણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. પણ સરકારનાં આ નિર્ણયની જાહેરાતનાં થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે આદેશ કર્યો હતો. કેન્દ્રનાં શિક્ષણ સચિવે આદેશ કરતાં રાજ્ય સરકારે માત્ર 2 કલાકમાં જ પોતાના નિર્ણય પર યુ ટર્ન લઈ લીધો હતો.
આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીએઓમાં લેવાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આવતીકાલથી શરૂ થતી GTUની પરીક્ષા પણ મોકૂફ કરી દેવામાં આવી છે. દેશમાં એકસૂત્રતા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ તમામ પરીક્ષાઓ માટેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તેવું પણ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષાની જાહેરાત કરવાની સાથે જ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપવા માટે વિકલ્પ આપ્યા હતા. અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.
જ્યારે આવતી કાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો. 350 જેટલાં સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનાર હતી. આ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની વાત હતી. પણ કેન્દ્ર સરકારનાં આદેશને કારણે ગુજરાત સરકારની જાહેરાત પર પાણી ફરી વળ્યું હતું. અને માત્ર 2 કલાકની અંદર જ પોતાનો નિર્ણય પરત લેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. તો શું ગુજરાત સરકારે કેન્દ્ર શિક્ષણ વિભાગને અંધારામાં રાખીને પરીક્ષાનું આયોજન કરી દીધું હતું. અને 2 કલાકની અંદર જ નિર્ણય પરત લેવો એ ગુજરાત સરકાર માટે ફજેતી સમાન સાબિત થયું છે.