કેન્દ્રમાં ભાજપ છતાં ભાજપ શાસિત રાજ્ય દ્વારા જ ગુજરાતને અન્યાય
ગાંધીનગર, ગુજરાતની નર્મદા યોજના કે જેનો લાભ પાડોશી અન્ય ત્રણ રાજ્યોને મળી રહ્યો છે તેમ છતાં આ રાજ્યો ગુજરાતને યોજનાના બાકી નીકળતા કરોડો રૂપિયા ચૂકવતા નથી. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે સૌથી વધુ ૪૮૮૧.૩૬ કરોડ રૂપિયા મધ્યપ્રદેશના બાકી છે અને ત્યાં ભાજપનું શાસન છે છતાં શિવરાજસિંહની સરકારે આ બાકી રકમ ચૂકવી નથી.
નર્મદા વિભાગે જણાવ્યું હતું કે, ભાગીદાર રાજ્ય મહારાષ્ટ્ર પાસેથી ગુજરાતને ૧૬૮૩.૦૯ કરોડ રૂપિયા લેવાના નિકળે છે જ્યાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. એવી જ રીતે કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકાર પાસેથી રાજ્યને ૫૪૮.૩૬ કરોડ રૂપિયા લેવાના થાય છે.
આ બાકી રકમની વસૂલાત માટે છેલ્લાં બે વર્ષમાં નર્મદા નિગમ કક્ષાએ દર મહિને રાજસ્થાનના સિંચાઇ વિભાગના ઇજનેર, મહારાષ્ટ્રના સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર તેમજ ભોપાલ સ્થિત નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીને લેણી રકમ ચૂકવવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર કન્સ્ટ્રક્શન એડવાઇઝરી કમિટીની બેઠકમાં વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે.
તાજેતરમાં મળેલી એનસીએની ૯૨મી બેઠકમાં પણ ભાગીદાર રાજ્યોની બાકી લેણી રકમ ચૂકવવા રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અગાઉ જ્યારે કેન્દ્ર અને પાડોશી રાજ્યમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે ભાજપે આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી ગુજરાતને કેન્દ્રનો અન્યાયના સૂત્રોચ્ચાર કર્યા હતાં. હવે મધ્યપ્રદેશમાં ભાજપની શિવરાજસિંહની સરકાર છે તેમ છતાં ગુજરાતને તેના હક્કના સૌથી વધુ બાકી ૪૮૮૧ કરોડ રૂપિયા મળી શકતા નથી.HS