કેન્દ્રીય કર્મીના માસિક બેસિક પગાર વધારવા વિચારણા નહી

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને ૧ જુલાઈથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ આપવાની ખુશખબરી બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક ઝટકો પણ આપ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્રીય કર્મચારીઓની મંથલી બેસિક સેલેરી વધારવા પર કોઈ વિચાર કરવામાં આવશે નહીં, એટલે કે મંથલી બેસિક સેલેરીમાં કોઈ પ્રકારનો વધારો થશે નહીં.
આજે એટલે કે ૨૮ જુલાઈએ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આવી કોઈપણ સ્થિતિ પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે ૨.૫૭નું ફિટમેન્ટ ફેક્ટર બધા કેટેગરીના કર્મચારીઓ માટે સમાન રૂપથી માત્ર ૭માં કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધાર પર રિવાઇઝ્ડ પે સ્ટ્રક્ચરમાં વેતન નિર્ધારણના ઉદ્દેશ્યથી લાગૂ કરવામાં આવ્યું હતું.
નાણા રાજ્યમંત્રી સંસદમાં એક સવાલનો જવાબ આપી રહ્યાં હતા. જેમાં પૂછવામાં આવ્યું કે ૭માં પગાર પંચની ભલામણોના આધાર પર ફિટમેન્ટ ફેક્ટરની અનુસાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની બહાલી બાદ શું કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓના મંથલી બેસિક પે વધારવા પર સક્રિય રૂપથી વિચાર કરી રહી છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ૧૭ ટકા ડીએ મળી રહ્યું છે. પરંતુ ૧ જુલાઈ ૨૦૨૧થી તેને વધારી ૨૮ ટકા કરી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનાની સેલેરીમાં મોંઘવારી ભથ્થુ આવશે. જાન્યુઆરી ૨૦૨૦માં ડીએ ૪ ટકા વધ્યું હતું, પછી જૂન ૨૦૨૦માં ૩ ટકાનો વધારો થયો હતો. અને જાન્યુઆરી ૨૦૨૧માં ૪ ટકાનો વધારો થયો હતો. હવે આ ત્રણેય હપ્તાની ચુકવણી થવાની છે. પરંતુ કર્મચારીઓને હજુ જૂન ૨૦૨૧ના મોંઘવારી ભથ્થાના ડેટાનો ઇંતજાર છે. આ ડેટા જલદી જારી થઈ શકે છે. એઆસીપીઆઈના આંકડાનું માનીએ તો સાતમા પે કમિશન હેઠળ જૂન ૨૦૨૧માં મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઈ રહ્યો છે. જાે તેમ થાય તો ડીએ વધીને ૩૧ ટકા પહોંચી જશે. ૩૧ ટકાની ચુકવણી સપ્ટેમ્બરના પગારમાં એક સાથે થશે.
સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે એચઆરએ એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ કે મોંઘવારી ભથ્થુ ૨૫ ટકાથી વધુ ગયું છે. તેથી કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ એલાઉન્ટને વધારી ૨૭ ટકા સુધી કરી દીધુ છે. હકીકતમાં ૭ જુલાઈ ૨૦૧૭ના એક આદેશ પ્રમાણે જ્યારે મોંઘવારી બથ્થુ ૨૫ ટકાથી વધુ થઈ જશે. ત્યારે હાઉસ રેન્ટ એલાઉન્ટને રિવાઇઝ કરવામાં આવશે. ૧ જુલાઈથી ડીએ વધી ૨૮ ટકા થઈ ગયું છે, તેથી એચઆરએ ને રિવાઇઝ કરવો જરૂરી છે.