કેન્દ્રીય ગૃહમંત્રીએ અષાઢી બીજે પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા
પૂજ્ય મહંતસ્વામીએ ભારત અને વડાપ્રધાન મોદીની સુરક્ષા-સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા
આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય : પૂજ્ય મહંતસ્વામી
અષાઢી બીજ, રથયાત્રાનાં પવિત્ર દિવસે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. તેઓ અડધો કલાક રોકાયા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ ગુરુપુષ્ય નક્ષત્રના શુભ યોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા. જે અંતર્ગત પૂજ્ય મહંતસ્વામી મહારાજે અષાઢી બીજના ઉપલક્ષ્યમાં અમિતભાઈ શાહને માણકી ઘોડી જ્યાં બિરાજમાન છે, તેવા સારંગપુર તીર્થ ખાતેની પ્રતિમા ભેટ આપીને રાષ્ટ્ર પણ અશ્વગતિએ અવિરતપણે પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ અંગે વિગતો આપતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અષાઢી બીજ, ગુરુવારે સવારે 10.15 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પધાર્યા હતા. મુખ્યદ્વાર પાસે તેઓનું વિધિવત્ સ્વાગત થયું હતું. ત્યારબાદ શાંતિપાઠ થયા હતા. જેમાં રાષ્ટ્રમાં શાંતિ, સંવાદિતા અને પ્રગતિ માટે પ્રાર્થના થઈ હતી. પૂજ્ય મહંતસ્વામી મહારાજે અમિતભાઈને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઠાકોરજી અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું.
તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ભાવપૂર્ણ રીતે જણાવ્યું હતું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સૌ પર આશીર્વાદ હતા, પરંતુ મારા પર સવિશેષ બની રહ્યાં. તેના અનુસંધાનમાં પૂજ્ય મહંતસ્વામીએ અમિતભાઈ શાહને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રસાદીની માળા અને વિશિષ્ટ સ્મૃતિભેટ અર્પણ કરી હતી. જ્યારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સુરક્ષા અને સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા હતા અને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રથયાત્રાનો ઉત્સવ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થીતીમાં ઉજવ્યો હતો.