કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ પ્રવાસ ટાળ્યો
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસાને કારણે વધેલા તણાવ અને ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા બ્લાસ્ટ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની મુલાકાત મુલતવી રાખી છે. ગૃહમંત્રી શનિવાર અને રવિવારે ૨ રેલીઓને સંબોધિત કરવાના હતા. બ્લાસ્ટને લઈને તેઓ સતત ટોપ અધિકરીઓના સંપર્કમાં છે અને અપડેટ લઈ રહ્યા છે.
આ વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ૩૦ જાન્યુઆરીએ ૨ દિવસીય પ્રવાસ પર પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના હતા. શનિવારે સવારે શાહનો ઈસ્કોન અને માયાપુર જવાનો કાર્યક્રમ હતો. આ પછી તેઓ ઉત્તર ૨૪ પરગણાના ઠાકુરનગર ખાતે એક જાહેર સભાને સંબોધન પણ કરવા જઇ રહ્યા હતા. ઉત્તર ૨૪ પરગણાના અનેક વિધાનસભા મતક્ષેત્રોમાં માતુઆ સમુદાયનું વર્ચસ્વ છે.
બાદમાં સાંજે તેઓ ભાજપની સોશ્યલ મીડિયા ટીમ સાથે બેઠક કરવાના હતા. બીજા દિવસે ૩૧ જાન્યુઆરીએ તેઓ અરબિંદો ભવન અને ભારત સેવાશ્રમ સંઘની કચેરીઓની મુલાકાત લેવાના હતા. તેઓ હાવડામાં એક રેલીને પણ સંબોધન કરવાના હતા. હાવડાની રેલીમાં ભાષણ આપ્યા બાદ ગૃહમંત્રીની બાગડી પરિવાર સાથે જમવાની યોજના હતી.
તેમણે બેલુર મઠની પણ મુલાકાત લેવાની હતી. તમને જણાવી દઈએ કે બેલુર મઠ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું મુખ્ય મથક છે જેની સ્થાપના સ્વામી રામકૃષ્ણ પરમહંસના મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ખેડુતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ પરિસ્થિતિ ગંભીર છે.
શુક્રવારે સિંધુ બોર્ડર પર આંદોલનકારી ખેડુતો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ અને પથ્થરમારો પણ થયો હતો, ત્યારબાદ પોલીસે ઘણા લોકોને અટકાયતમાં લીધા છે. બીજી તરફ, શુક્રવારે સાંજે ઇઝરાયલી દૂતાવાસની બહાર ઓછા તીવ્રતાના ધડાકા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. ગૃહમંત્રી અમિત શાહ ખુદ આ ઘટનાની તપાસ પર નજર રાખી રહ્યા છે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર અમિત શાહને બ્લાસ્ટ પછીની પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર ગૃહમંત્રીએ તપાસ માટે તમામ જરૂરી પગલાં લેવા અને કાવતરાખોરોને શોધવા પોલીસને સૂચના આપી છે.