કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય રિમોટ ટેક્નીકથી કરાવી કહ્યું છે ભૂગર્ભજળનો સર્વે
ગુજરાતના 5 જિલ્લાઓના ભૂગર્ભજળના એક્વિફર મેપિંગને લીલી ઝંડી
‘પંચાયત સ્તર સુધી જણાવીશું, ક્યાં અને કેવી રીતે જળ સંરક્ષણ કરવું’- શેખાવત
નવી દિલ્હી/ગાંધીનગર: ગુજરાતના શુષ્ક જિલ્લાઓ રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના 32,000 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ભૂગર્ભજળની સ્થિતિની આધુનિક ટેક્નોલોજીથી તપાસ કરવાની દિશામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે ડગ માંડી દીધાં છે.
પહેલા તબક્કામાં એડવાન્સ્ડ હેલીબોર્ન જિઓફિઝિકલ સર્વેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનના બિકાનેર, ચુરૂ, શ્રીગંગાનગર, જાલૌર, પાલી, જેસલમેર, જોધપુર અને સિકર જિલ્લાના 65,500 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર તેમજ
હરિયાણાના કુરુક્ષેત્ર અને યમુનાનગર જિલ્લાના 2500 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર એટલે કે કુલ 1 લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે. આ માટે રૂ.54 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર દેશમાં 4 લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં આ ટેક્નોલોજી દ્વારા અધ્યયન કરવામાં આવશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં ઉત્તર-પશ્ચિમી ભારતના શુષ્ક વિસ્તારોમાં હાઈ રિઝોલ્યુશન એક્વિફર મેપિંગ અને મેનેજમેન્ટ માટે કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડ અને હૈદરાબાદની સીએસઆઇઆર-એનજીઆર વચ્ચે એડવાન્સ હેલીબોર્ન જિયોફિઝિકલ સર્વે તથા સાયન્ટિફિક સ્ટડીઝને લઇને MoA પર હસ્તાક્ષર થયા.
શેખાવતે કહ્યું કે આ નવી ટેક્નીકથી જે પરિણામો સામે આવશે, તેનાથી એ સ્પષ્ટ થશે કે ક્યાં કેવા પ્રકારના જળ સંરક્ષણની જરૂર છે. એક લાખ કિલોમીટરની વિસ્તારમાંથી જે ડેટા મળે, તેને ગ્રામ પંચાયત સ્તર સુધી પહોંચાડવામાં આવશે.
તેમણે કહ્યું કે, અત્યાર સુધી કેન્દ્રીય જળઆયોગ જે પદ્ધતિથી ભૂગર્ભજળની જાણકારી મેળવે છે, તેમાં ઘણો સમય લાગે છે, અને ભૂગર્ભજળની પરિસ્થિતિ ખૂબ ઝડપથી ચિંતાજનક બની રહી છે. જળ વ્યવસ્થાપન પર ઝડપથી કામ કરવા માટે, આ સંબંધે બને તેટલી ઝડપથી માહિતી મેળવવી અનિવાર્ય છે.
ડેટાની સાથે નવી ટેક્નોલોજીને જોડીશું તો જળ વ્યવસ્થાપન ખૂબ ઝડપથી કરી શકીશું. શેખાવતે કહ્યું કે ભૂતકાળમાં પાણીને જેટલી પ્રાથમિકતા આપવાની જરૂર હતી, તેટલી આપવામાં આવી નથી. આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે અને યોગ્ય રીતે જળ વ્યવસ્થાપન કરવાનું છે.