કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા સંખ્યાબંધ માળખાકીય સુધારાના પગલાંઓની કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રશંસા કરી
પ્રધાનમંત્રી મોદીનો ‘રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ મંત્ર છેલ્લા છ વર્ષમાં ભારતના અસાધારણ વિકાસની ચાવી છે: ગૃહમંત્રી
PIB Ahmedabad કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સંખ્યાબંધ માળખાકીય સુધારાઓની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “આજના સીમાચિહ્નરૂપ નિર્ણયો લેવા બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર માનું છું કારણ કે, આ નિર્ણયોના પગલે ચોક્કસપણે દેશના અર્થતંત્રમાં વેગ આવશે અને આત્મનિર્ભર ભારત તરફ આપણા પ્રયાસોને તે વધુ આગળ વધારશે.” તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનો ‘રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ (સુધારો, કામગીરી અને પરિવર્તન) મંત્ર છેલ્લા છ વર્ષમાં ભારતના અસાધારણ વિકાસની ચાવી છે.
કોલસાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભૂતપૂર્વ પગલું ભરવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીને અભિનંદન પાઠવતા શ્રી શાહે જણાવ્યું હતું કે, “કોલસા ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂપિયા 50,000 કરોડની ફાળવણી અને વ્યાપારી ધોરણે ખાણકામની શરૂઆત એ નીતિ સુધારામાં આવકાર્ય પગલું છે કારણ કે તેનાથી વધુ સ્પર્ધાનો માહોલ બનશે અને સમગ્ર કામગીરીમાં પારદર્શકતા આવશે.”
તેમણે જણાવ્યું હતું કે, “સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારીને 74% કરવામાં આવી છે અને પસંદગીના હથિયારો/ પ્લેટફોર્મની આયાત પર વર્ષ અનુસાર ટાઇમલાઇન પ્રમાણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે નિશ્ચિતપણે ‘મેક ઇન ઇન્ડિયા’ને નવું બળ આપશે અને તેનાથી આયાતનું ભારણ પણ ઘટશે.” ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મજબૂત, સુરક્ષિત અને સશક્ત ભારતનું નિર્માણ એ મોદી સરકારની સર્વોપરી પ્રાથમિકતા છે.
શ્રી શાહે ઉડ્ડયન ક્ષેત્રને વેગ આપવા માટે દૂરંદેશીપૂર્ણ નિર્ણયો લેવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “એર સ્પેસના ઉપયોગ પર પ્રતિબંધો હળવા કરવાથી આપણા ઉડ્ડયન ક્ષેત્રને દર વર્ષે રૂપિયા 1000 જેટલો જંગી લાભ થશે. વધુમાં, MRO માટે કરવેરા પ્રણાલીને પણ વધુ વ્યવહારું બનાવવામાં આવી છે જેથી ભારત એરક્રાફ્ટ MRO માટે વૈશ્વિક હબ બની શકે.”
અવકાશ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કાર્યોમાં ખાનગીક્ષેત્રને વેગ આપવા માટેના નિર્ણય અંગે ચર્ચા કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખાનગી રોકાણને વેગ આપવા માટે અને અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓમાં ખાનગીક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 8100 કરોડના સુધારેલા વાયેબિલિટી ગેપ ફંડિંગ જેવા આજના નિર્ણયો લેવા બદલ હું પ્રધાનમંત્રી શ્રી મોદીની પ્રશંસા કરું છુ કારણ કે આનાથી ખાનગીક્ષેત્રો ભારતની અવકાશયાત્રામાં સહપ્રવાસની ભૂમિકા નિભાવવા માટે સમર્થ બનશે.”