કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉંઝાથી નીકળેલી જન આશિર્વાદ યાત્રા
રાજકોટ, સૌરાષ્ટ્રભરમાં નીકળેલી જન આશિર્વાદ યાત્રાનો બીજો તબકકો આવતીકાલે રાજકોટમાં છે. ઉંઝાથી બીજા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઇ રૂપાલાની આજે ઉંઝાથી શરૂ થયેલી યાત્રા આવતીકાલે બપોરે રાજકોટ પહોંચવાની છે. આજે સવારે ઉંઝાથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. ઉમીયાજીના દર્શન કર્યા બાદ માર્કેટીંગ યાર્ડ ખાતે સભા યોજવામાં આવી હતી.
તે બાદ મહેસાણા ખાતે સભા રાખવામાં આવી હતી. આજે મોરબી ખાતે પરસોત્તમભાઇ સહિતના યાત્રીકોનું રાત્રી રોકાણ છે. આવતીકાલે મોરબી, ટંકારા અને પડધરી ખાતે આ યાત્રા ફરવાની છે.
જેના ઇન્ચાર્જ રાજકોટના પૂર્વ મેયર અને ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખ ભંડેરી છે. આ યાત્રામાં જોડાયેલા રાજકોટના યુવા મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે યાત્રામાં ડો. ભરત બોઘરા, મનીષ ભટ્ટ સહિતના આગેવાનો પણ સામેલ છે.
શુક્રવારે બપોરે 3 વાગ્યે માધાપર ચોકડીએ આ યાત્રા આવી પહોંચશે અને 10.7 કિ.મી.ના 150 ફુટ રોડ, બીઆરટીએસ રૂટની સમાંતર યાત્રા ફરશે. ગોંડલ રોડ ચોકડી સુધીમાં ત્રણ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રૈયા ચોકડીએ વોર્ડ નં. 1, 2, 9, કેકેવી સર્કલ 3, 8, 10, ઉમીયા ચોક ખાતે વોર્ડ નં.11, 12, 13ના લોકો સ્વાગત કરશે. વિવિધ રૂટ પર ફુલ, ડી.જે., રાસની રમઝટ, સંતો-મહંતોના આશિર્વાદ વરસશે તેમ પક્ષ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.
તા.20ના બપોરે 1.15 કલાકે આ યાત્રા પડધરી તાલુકાના દહીંસરડા ખાતે પહોંચશે જયાં જિલ્લા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા સહિતના આગેવાનો સ્વાગત કરવાના છે. તેમાં મેટોડાના ઉદ્યોગપતિઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ વગેરે જોડાવાના છે. 2.10 કલાકે પડધરી બાયપાસ ખાતે કેન્દ્રીય મંત્રીની સભા રાખવામાં આવી છે.
રાજકોટના કાર્યક્રમ બાદ બપોરે 4.15 કલાકે તેઓ કાળીપાટ, સાંજે 6 વાગ્યે રંગુન માતા, 6.15 કલાકે સરધાર પહોંચશે અને સ્વામીનારાયણ મંદિર ખાતે રાત્રી રોકાણ કરશે. તા.21ના રોજ ડુંગરપુર, વીરનગર, આટકોટ, જસદણથી મુલાકાત છે. તા.21ના જસદણ યાર્ડમાં તેમની સભા રાખવામાં આવી છે અને બપોરે 12.20 કલાકે તેઓ બાબરા પહોંચશે તેમ અરૂણ નિર્મળએ યાદીમાં જણાવ્યું છે.