કેન્દ્રીય પ્રધાન સહિત કાશ્મીરના ૧૭ નેતાને આતંકીઓની ધમકી
જમ્મુ: આતંકવાદીઓએ કેન્દ્રના એક મંત્રી સહિત કાશ્મીરના ૧૭ નેતાઓને રાજકારણ છોડી દેવા માટે ધમકી આપી છે. આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો ધમકી પત્ર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાને મળતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉર્દૂમાં લખેલા બે પેજના કાગળમાં ધમકી અપાઈ છે.
જેમાં જણાવ્યુ છે કે જમ્મુ વિસ્તારના મુખ્યધારાના નેતાઓ રાજનીતિને આવજો નહીં કરે તો તેમને નિશાન બનાવવામાં આવશે. તેમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. પોલીસના વધુમાં જણાવ્યા મુજબ આતંકી જૂથના લેટર પેડ પર પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી રમન ભલ્લાને તેમના કાર્યાલયના સરનામા પર ડાક વિભાગના માધ્યમથી મોકલાયો હતો. તેઓ પત્ર મળતા તુરત જ પોલીસને જાણ કરી હતી. પત્રમાં આતંકી જૂથના કહેવાતા કમાન્ડરે સહી કરી છે.
પત્રમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના, પૂર્વ નાયબ મુખ્યમંત્રી ર્નિમલ સિંહ, નેશનલ કોન્ફરન્સના પ્રાદેશિક અધ્યક્ષ દેવેન્દ્ર રાણા ડોગરા સહિત અન્ય પૂર્વ મંત્રીઓ, આરએસએસના પદાધિકારીઓ મળીને કુલ ૧૭ નેતાઓના નામ છે. પત્રમાં આ તમામને રાજનીતિ છોડવાનો આદેશ કરાયો છે, સૂચનાનું પાલન નહીં કરો તો તમારા વિરુધ્ધ ડેથ વોરંટ જારી થઈ ચૂક્યુ છે. કોઈપણ સુરક્ષા કવચ અમારાથી નહીં બચાવી શકે તેમ પણ જણાવ્યુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પત્રની વિગતોને ગંભીરતાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે.