કેન્દ્રીય બજેટમાં ભારતને ઇલેક્ટ્રિક વાહનનાં નિર્માણનું હબ બનાવવાનું લક્ષ્ય
ફેમ યોજનામાં સોલર સ્ટોરેજ બેટરી અને ચાર્જિંગ સુવિધાઓવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમાવેશથી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે
સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા ઇચ્છે છે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે લોનના વ્યાજની ચૂકવણી માટે સરકાર દ્વારા 1.5 લાખ રૂપિયાની વધારાની કર મુક્તિ આપવામાં આવશે
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં તેમજ કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2019-20 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતી વખતે જણાવ્યું કે ફેમ યોજનાના બીજા તબક્કામાં અદ્યતન બેટરીઓ અને રજિસ્ટર્ડ ઈ-વાહનોની ખરીદીમાં છૂટ આપવામાં આવશે. ફેમ યોજનાનો બીજો તબક્કો 1 એપ્રિલ, 2019થી શરૂ થઈ ગયો છે. આ યોજના હેઠળ, રૂ. 10,000 કરોડની રકમ ત્રણ વર્ષ માટે નિશ્ચિત કરવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ ઈલેક્ટ્રિક વાહનોની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવાનો છે. તેના માટે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તથા ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાના માળખાની સ્થાપના માટે રાહત આપવામાં આવશે. આ યોજના હેઠળ આધુનિક બેટરીઓ અને રજિસ્ટર્ડ ઈ-વાહનોને જ છૂટ આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોને સસ્તા અને પર્યાવરણલક્ષી સાર્વજનિક પરિવહનનો વિકલ્પ આપવાનો છે.
ફેમ યોજનામાં સૌર સ્ટોરેજ બેટરી અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવાથી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. આ વાહનોના નિર્માણ સાથે, ભારત ઇલેક્ટ્રિક વાહનોના હબ તરીકે વિકસિત થશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર લાગતા 12 જીએસટી દરને ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વાહનો સસ્તા બનાવવા માટે સરકાર ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટેના લોનના વ્યાજની ચૂકવણીમાં 1.5 લાખ રૂપિયાની વધુ છૂટ આપશે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કરદાતાઓને લગભગ 2.5 લાખ રૂપિયાનો ફાયદો થશે. ઇલેક્ટ્રિક વાહનોના કેટલાક ભાગો પર કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિનો પણ પ્રસ્તાવ છે.