કેન્દ્રીય બજેટ અંગે ગુજરાતના કોર્પોરેટ જગતને ઊજળી આશાઓ
કરવેરાના માળખામાં ફેરફારો થકી વ્યાપાર જગતને રાહત આપવાની માંગ
અમદાવાદ, કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના કોર્પોરેટ જગતને બજેટ પાસેથી ઊંચી અપેક્ષાઓ છે. કેન્દ્રીય બજેટ પ્રજાલક્ષી હોય સાથેસાથે વેપારજગતને પ્રોત્સાહન આપનારું હોય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
કેન્દ્રીય બજેટ અંગે અપેક્ષાઓ વ્યક્ત કરતાં એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ટાઈલ્સ અને સેનિટરીવેર પર હાલ 18 ટકા જીએસટી છે જેને ઘટાડીને 12 ટકાના સ્લેબમાં લાવવો જોઈએ કારણ કે આ બંને મોજશોખની વસ્તુઓ નથી.ટાઈલ્સ અને સેનિટરીવેરને કિફાયતી બનાવવાથી આ ક્ષેત્રના એકમો ઝડપથી પ્રગતિ સાધશે અને તેનાથી સરકારને સ્વચ્છ ભારત અભિયાન, મેક ઈન ઈન્ડિયા અને 2022 સુધીમાં તમામને ઘર પૂરું પાડવાની સરકારની યોજનાઓને મદદ મળશે. ભારતના ટાઈલ્સની નિકાસોને પ્રોત્સાહન આપવા માટે ટાઈલ્સની નિકાસ પર પ્રોત્સાહનોની તાકિદે સમીક્ષા કરવાની અને તેમાં વધારો કરવાની જરૂર છે જેથી ભારતના નિકાસકારો વિશ્વના બજારોમાં સ્પર્ધાત્મક રહી શકે અને ખાડી દેશો દ્વારા લદાયેલી એન્ટી-ડમ્પિંગ ડ્યૂટીની પ્રતિકૂળ અસરોને ઘટાડી શકાય. |
ફાર્મા ઉદ્યોગની બજેટ અંગે આશાઓ અંગે લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલ આપણું અર્થતંત્ર હાલ નબળા જીડીપી વૃદ્ધિ દરના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છેત્યારે નાણાંપ્રધાને વ્યાજ દર હળવા રાખવાની જરૂર છે જેથી નવા રોકાણોને પ્રોત્સાહન આપી શકાય અને મૂડી ખર્ચના ચક્રને વેગવંતુ બનાવી શકાય. સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ પર કર કપાત 150 ટકાથી વધારીને 200 ટકા કરવી જોઈએ જેથી નવી શોધોને પ્રોત્સાહન મળે. જો સરકાર ફાર્મા એસએમઈ માટે ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડથી એસએમઈને યોગ્ય નાણાંકીય સહાય પૂરી પાડે તો ભારતના ફાર્મા એસએમઈ એક કદમ આગળ વધીને નિકાસકારો બની શકે છે. |
બજેટમાં સામાન્ય નાગરિકોના હેલ્થકેર બિલમાં ઘટાડા માટેના પગલાંની માંગ કરતા મેડકાર્ટ ફાર્મસી પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક શ્રી અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે જન ઔષધિ કાર્યક્રમના બહોળા પ્રચાર છતાં છતાં જેનેરિક દવાઓનું ચલણ વધી શક્યું નથી જેની પાછળ બે કારણો જવાબદાર છે.પહેલું કારણ કે સામાન્ય લોકોમાં જેનેરિક દવાઓ અંગે ખૂબ જ ઓછી જાગૃતતા છે. લોકોમાં બહોળી જાગૃતતા ફેલાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન જેવું પ્રચંડ લોકઅભિયાન છેડવાની જરૂર છે. જેનેરિક દવાઓ લોકપ્રિય ન થવાનું બીજું એક મહત્વનું કારણ એ છે ડોક્ટરો તેમના પ્રિસ્ક્રીપ્શનમાં મોલેક્યુલ્સના બદલે બ્રાન્ડેડ દવાઓના નામ લખે છે. આથી જે લોકો જેનેરિક દવાઓ લખતા હોય તેમની સરાહના કરવા અથવા બ્રાન્ડેડ દવાઓ લખનારા સામે શિક્ષાત્મક પગલાં લેવાના નિયમો ઘડાવા જોઈએ. |
રોકાણકાર વર્ગની અપેક્ષાઓને વાચા આપતાં ટોરિન વેલ્થ મેનેજમેન્ટના પ્રમોટર શ્રી જીગ્નેશ માધવાણીએ જણાવ્યું હતું કે આગામી બજેટમાં સામાન્ય વર્ગને ઘણી અપેક્ષાઓ છે. રોકાણકારોને બ્લ્યૂ ચીપ શેરોમાંથી સારું ડિવિડન્ડ મળે છે, પરંતુ સરકાર દ્વારા કંપનીઓના નફા પર ઈન્ક્મ ટેક્સ લીધા બાદ ડિવિડન્ડ પર પણ 20.56% જેટલો ઊંચો ટેક્સ લેવામાં આવે છે. ઉપરાંત મોટા રોકાણકારો જે ૧૦ લાખથી વધુ વાર્ષિક ડિવિડન્ડ મેળવે છે એમને બીજા ટેક્સનું ભારણ આવે છે. આથી DDT હટાવીને રોકાણકારોને મળતી ડિવિડન્ડની આવકને અન્ય આવક સાથે જોડવાની જરૂર છે. કલમ 80 સીસી હેઠળની લિમિટ ૧.૫૦ લાખથી વધારીને ૨.૫૦ લાખ સુધી લઇ જવાથી ફાઇનાન્શ્યલ એસ્સેટસના સેવિંગમાં સારો વધારો જોવા મળશે. |