કેન્દ્રીય બેઠકમાં કોરોનાના ટેસ્ટ વધારવાની સક્રિય વિચારણા
નવી દિલ્હી, દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે ગૃહ મંત્રાલયે ગુરુવારે દિલ્હીમાં એક બેઠક બોલાવી. આ બેઠકમાં ઉત્તરપ્રદશેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, સ્વાસ્થ્ય સચિવ સહિત ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ બેઠકમાં સામેલ થયાં. બેઠકમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે તેવો નિર્ણય થયો. આ બેઠકમાં દિલ્હી અને એનસીઆરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને તેને રોકવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી, સાથે જ કોરોના પર દિલ્હી અને તેના પાડોશી રાજ્યો વચ્ચે સારો સમન્વય થાય, તેના પર ચર્ચા કરવામાં આવી.
ગૃહ મંત્રાલયના સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે દિલ્હી અને એનસીઆરના રાજ્યોએ એક યૂનિટની જેમ કામ કરવા અને કોરોના સંક્રમણને અટકાવવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી. આ સાથે જ એનસીઆરમાં કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવે, જેના પર આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત થઈ. બેઠકમાં દિલ્હી એમ્સના નિદેશક પણ જોડાયા હતા.