Western Times News

Gujarati News

કેન્દ્રીય મંત્રીમંડળમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા ૧૧ થઈ

નવીદિલ્હી: મોદી સરકારના મંત્રીમંડળનો બુધવારે વિસ્તાર થયો. ૪૩ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. ૩૬ નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ મોદી સરકારમાં વધી છે. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મળીને હવે કેન્દ્રીય મંત્રી પરિષદમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા ૧૧ થઈ ગઈ છે. દેબશ્રી ચૌધરી મંત્રી પરિષદમાંથી બહાર થઈ ગયા છે.

મોદી મંત્રીમંડળમાં ૧૫ કેબિનેટ, ૨૮ રાજ્યમંત્રીઓએ શપથ લીધા. બુધવારે જે મહિલા સાંસદોએ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા તેમાં અપના દળ(એસ)ના અનુપ્રિયા પટેલ, શોભા કરાંદલાજે, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, પ્રતિમા ભૌતિક, ડો. ભારતી પવાર, અને દર્શના જરદોશ સામેલ છે.

મિનાક્ષી લેખી દિલ્હીથી સાંસદ છે અને તેમને વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે અનુપ્રિયા પટેલને વાણિજ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે. શોભા કરાંદલાજે કર્ણાટકના ઉડુપીથી બેવારથી સાંસદ છે. તેમને કૃષિ વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે દર્શા જરદોશ ગુજરાતથી છે અને કપડા અને રેલ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
અન્નપૂર્ણા દેવી ઝારખંડના કોડરમા બેઠકથી સાંસદ છે અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રતિમા ભૌમિક ત્રિપુરાના છે અને તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં રાજ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. ભારતી પવાર મહારાષ્ટ્રના ડિંડોરી બેઠકથી સાંસદ છે. તેમને મહિલા બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે.

તમામ મહિલા મંત્રીઓએ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે શપથ ગ્રહણ સમારોહ બાદની એક તસવીર શેર કરી છે જેમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને સ્મૃતિ ઈરાની સાથે તમામ નવા મહિલા મંત્રી જાેવા મળે છે. આ તસવીર ભાજપ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહિલા શક્તિના વધતા વર્ચસ્વનું પ્રતિક છે.

મોદી મંત્રીમંડળમાં સામેલ કરાયેલા ૪૩ મંત્રીઓમાં ૩૬ નવા ચહેરા છે. સૌથી વધુ પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશને મળ્યું છે. જેથી કરીને હવે યુપીના મંત્રીઓની સંખ્યા ૧૫ થઈ છે. ત્યારબાદ સૌથી વધુ પ્રતિનિધિત્વ પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મહારાષ્ટ્રને મળ્યુ છે. આ રાજ્યોમાંથી ચાર-ચાર સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા મળી છે. ગુજરાતથી ૩, મધ્ય પ્રદેશ, બિહાર અને ઓડિશાથી ૨-૨ મંત્રીઓ બન્યા છે. જ્યારે ઉત્તરાખંડ, ઝારખંડ, ત્રિપુરા, નવી દિલ્હી, અસમ, રાજસ્થાન, મણિપુર, અને તમિલનાડુથી એક-એક નેતાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.