કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોનાની ઝપેટમાં
નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યા પછી હવે વધુ એક કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટિ્વટ કરીને આ બાબતે જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હોય તેમને કાળજી જાળવવાની તેમજ પ્રોટોકોલ અનુસરવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને તાજેતરમાં આ પહેલા ચોમાસુ સત્રના પહેલા દિવસે જ આશરે ૩૦ સાંસદ કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતાં.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ટિ્વટ કરીને જણાવ્યું હતું કે,’ કાલે મને નબળાઈ જેવું લાગતું હતું. જેથી મેં ડોક્ટરને બતાવ્યું હતું. ચેકઅપ દરમિયાન મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમારા બધાની શુભેચ્છાથી સ્વસ્થ છું અને મારી જાતને આઈસોલેટ કરી છે.’
આ ઉપરાંત તેમણે અન્ય એક ટ્વીટ કરીને જે પણ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને પ્રોટોકોલનું પાલન કરવાની તેમજ કાળજી રાખવાની વિનંતી પણ કરી હતી. નોંધનીય છે કે આ પહેલા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કોરોના વાયરસ પર મોટું નિવેદન આપ્યું હતું. નીતિન ગડકરીએ કોરોના પર કહ્યું હતું કે,
આ વાયરસ કુદરતી નથી તેને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું હતું કે, અમેરિકા, બ્રિટન અને ઈટલી જેવા દેશોની સ્થિતિમાં ભારત સુરક્ષિત લાગી રહ્યું છે. મંગળવારે સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૦૯ નવા દર્દીઓ સાથે સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધીને ૪૯,૩૦,૨૩૬ થઈ ગઈ છે. વિશ્વભરમાંથી કોવિડ -૧૯ની માહિતી એકત્રિત કરનાર અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, મહામારીમાંથી બહાર નીકળનારા લોકોની વાત કરવામાં આવે તો તેમાં ભારત મોખરે છે. ત્યારબાદ બ્રાઝિલ અને ત્યારબાદ અમેરિકાનું સ્થાન છે. યુનિવર્સિટીના ડેટા અનુસાર, સંક્રમણથી અસરગ્રસ્ત લોકોની દ્રષ્ટિએ જોતા ભારત અમેરિકા પછી બીજા ક્રમે છે. જ્યારે મૃત્યુઆંકની બાબતમાં અમેરિકા અને બ્રાઝિલ પછી તે ત્રીજા ક્રમે છે. SS