કેન્દ્રીય શિક્ષણ મંત્રી પોખરિયલને એઈમ્સમાં દાખલ કરાયા
નવીદિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે એઈમ્સ પ્રશાસને જણાવ્યુ છે કે હાલમાં જ કોરોનાથી રિકવર થયેલ રમેશ પોખરિયાલને પોસ્ટ કોવિડ કૉમ્પ્લીકેશન એટલે કે કોરોના સંક્રમણ બાદ થતી મુશ્કેલીઓ છે. એઈમ્સમાં ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા હતા.
૨૧ એપ્રિલે તેમણે ટિ્વટ કરીને આ અંગે માહિતી આપીને લખ્યુ હતુ – મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું ડૉક્ટરોની સલાહ અનુસાર દવા અને ઈલાજ લઈ રહ્યો છુ. ઈલાજ બાદ નિશંક કોરોનાથી રિકવર પણ થઈ ગયા હતા. હાલના દિવસોમાં તેમની તબિયત સારી જણાવાઈ હતી પરંતુ હવે તેમને ઘણી ફરિયાદો થઈ છે.
તમને જણાવી દઈએ કે કોરોના શરીરના ઘણા ભાગો પર અસર છોડે છે એવામાં કોરોનાથી રિકવર થયા બાદ ઘણા બધા લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશ હાલમાં કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા ૨ મહિના એપ્રિલ અને મેમાં દેશમાં રેકૉર્ડ સંખ્યામાં કેસ આવ્યા છે અને મોત થયા છે. માત્ર મે મહિનામાં જ કોરોનાના ૯૦ લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા. આ પહેલા એપ્રિલ મહિનામાં લગભગ ૭૦ લાખ નવા કેસ સામે આવ્યા. જે આખી દુનિયામાં સૌથી વધુ છે.
કોરોનાથી મે મહિનામાં એક લાખ વીસ હજારથી વધુ લોકોના જીવ ગયા. એપ્રિલમાં કોરોનાથી ૪૮ હજારથી વધુ મોત થયા. આ સરકારી આંકડા છે જેના માટે ઘણા વિશેષજ્ઞો એ પણ દાવો કરી રહ્યા છે કે આ વાસ્તવિક મોતથી ઘણા ઓછા છે.