કેન્દ્રે ૧૧ રાજ્યોને ચિંતાજનક સ્થિતિની શ્રેણીમાં મુકી દીધા

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની નવી લહેર આફતનો પર્યાય બનતાં કેન્દ્ર સરકારનો ઉચાટ વધ્યો છે. તેને લઈ શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધુ ચિંતાજનક સ્થિતિ ધરાવતાં રાજ્યોની શ્રેણીમાં મુકાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ રાજ્યોમાં કોરોના વાયરસના નવા ચેપગ્રસ્તોની સંખ્યામાં રાતોરાત ભારે ઉછાળો જાેવા મળ્યો છે. તેની સાથે મૃત્યુ આંક પણ વધતો જઈ રહ્યો છે.
એક દિવસમાં કોવિડ-૧૯ના ૮૧,૪૬૬ નવા કેસ નોંધાયા છે, તે સાથે દેશમાં ચેપગ્રસ્તોનો કુલ આંકડો વધીને ૧,૨૩,૦૩,૧૩૧ પર પહોંચ્યો છે. છેલ્લા છ માસમાં એક દિવસમાં આ સૌથી વધુનો આંકડો છે. ગત તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ૨૪ કલાકમાં ૮૧,૪૮૪ નવા દર્દીઓ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૯ દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૬૩,૩૯૬ થયો છેમહારાષ્ટ્રમાં મહામારીની સાંપ્રત પરિસ્થિતિએ સરકારએ ચિંતાની લાગણી વ્યકત કરી છે અને રોજિંદા મૃત્યુ પર કાબુ મેળવવા માટે તાકીદે યોગ્ય ઉપાયો કરવાની તાકીદ કરી છે.
નવા કેસમાં દિનપ્રતિદિન વધારાને જાેતા શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, રાજ્ય પોલીસ વડા અને આરોગ્ય સચિવોની સાથે એક હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાયરસ કેસો પર નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલા પર ચર્ચા કરાઈ અને રાજ્યોને જરૂરી દિશા-નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. બેઠકમાં રાજ્યોને કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ સંશાધનોના ઉપયોગ કરવાની પણ તાકીદ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના કોરોનાના કહેરની સાંપ્રત સ્થિતિને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યકત કરી છે. તેમણે શુક્રવારે મોડી સાંજે કહ્યુ માર્ચ માસથી ગત વર્ષની તુલનામાં સ્થિતિ બદતર થઈ છે. આ સ્થિતિમાં લોકડાઉનના ઉપાયને નકારી શકાય તેમ નથી. અમે પહેલાં પણ રાજ્યમાં કોરોનાના કેસ ઓછા કરવામાં સફળ થયા હતા.
રાજ્યમાં હાલ જ્યારે કોરોનાના સંક્રમણની રફતાર વધી છે, ત્યારે લોકોએ કોવિડ-૧૯ ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવુ પડશે. કોરોના મહામારીએ રાજ્યમાં દેખા દીધી ત્યારે માત્ર બે લેબ હતી, ત્યારબાદ આપણે ટેસ્ટિંગ માટેની લેબની સંખ્યા વધારી. હાલ માત્ર મુંબઈમાં જ ૫૦ હજારથી વધુ લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં રોજિંદા ૧.૮૨ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. અમારુ લક્ષ્ય આ સંખ્યાને રોજિંદા અઢી લાખ સુધી લઈ જવાનું છે.