કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 5 ટકાના વધારાને મંજૂરી
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર)માં પાંચ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનો અમલ 01.07.2019થી લાગુ થશે, જે બેઝિક પગાર/પેન્શનનાં હાલનાં 12 ટકામાં 5 ટકાનો વધારો એટલે કે કુલ 17 ટકા થશે, જેનો આશય મોંઘવારીને સરભર કરવાનો છે. આ વધારો સ્વીકાર્ય નિયમને સુસંગત છે, જે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને આધારે કરવામાં આવ્યો છે.
મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એમ બંનેમાં વધારાનાં કારણે સરકારી તિજોરી પર સંયુક્તરીતે વાર્ષિક રૂ. 15909.35 કરોડનો અને નાણાકીય વર્ષ 2019-20 માટે (જુલાઈ, 2019 થી ફેબ્રુઆરી, 2020 સુધીનાં આઠ મહિનાનાં ગાળા માટે) રૂ. 10606.20 કરોડનો બોજ પડશે. કેન્દ્ર સરકારનાં આ પગલાથી આશરે કેન્દ્ર સરકારનાં 49.93 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનર્સને લાભ થશે.
મોંઘવારી ભથ્થામાં આ વધારાને કારણે વધારાનો નાણાકીય બોજ દર વર્ષે રૂ. 8590.20 કરોડ અને ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં (જુલાઈ, 2019 થી ફેબ્રુઆરી, 2020 સુધીનાં આઠ મહિનાનાં ગાળા માટે) રૂ. 5726.80 કરોડ થશે. મોંઘવારી રાહતમાં આ વધારાને કારણે વધારાનો નાણાકીય બોજ દર વર્ષે રૂ. 7319.15 કરોડ અને ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં (જુલાઈ, 2019 થી ફેબ્રુઆરી, 2020 સુધીનાં આઠ મહિનાનાં ગાળા માટે) રૂ. 4870 કરોડ થશે.
કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ/પેન્શનર્સને મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત જીવનધોરણનાં ખર્ચને સરભર કરવા માટે અને વાસ્તવિક મૂલ્યનાં ધોવાણમાંથી તેમનાં મૂળભૂત પગાર/પેન્શનને બચાવવાનો છે. મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત વર્ષમાં બે વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈનાં રોજ વધારવામાં આવે છે.