કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ આસામ અને મિઝોરમ દળો પાછા ખેંચશે

નવીદિલ્હી: વિવાદાસ્પદ જમીનના મામલે સામસામે આવી ગયેલા આસામ અને મિઝોરમ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ આ વિસ્તારમાં તહેનાત સુરક્ષા દળોને પાછા હટાવી લેવા સહમત થયાં હતાં. આસામ અને મિઝોરમના પ્રતિનિધિમંડળે આજે કેન્દ્ર સરકાર સાથે મંત્રણા કરીને વિવાદાસ્પદ વિસ્તારોમાં તટસ્થ કેન્દ્રીય દળોની તહેનાતી સ્વીકારી લીધી હતી. મિઝોરમ સાથેની સીમા સંઘર્ષમાં આસામના છ પોલીસ કર્મચારીના મોતની ઘટનાના વિરોધમાં બુધવારે સવારે પાંચ કલાકથી ૧૨ કલાકના બંધની જાહેરાત કરવામાં આવી હતી તે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.
આસામના બરાક ખીણના ત્રણ જિલ્લામાં બંધના કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. બરાક ખીણમાં સવારે પાંચ કલાકથી બંધને ધ્યાનમાં રાખીને તમામ ધંધારોજગાર બંધ રહ્યા હતા અને મિઝોેરમની સરહદને અડીને આવેલા કછાર , હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લામાં ઘણા ઓછા વાહનો માર્ગો પર નજરે ચડયાં હતાં. જાે કે ઇમર્જન્સી સેવાઓને બંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
હૈલાકાંડી જિલ્લામાં ઘણા સામાજિક સંગઠનોએ મિઝોરમ જતા માર્ગો પર અવરોધ મૂક્યા હતા અને પડોશી રાજ્યમાં જતાં માલવાહક ટ્રકોને રોકી દીધા હતા. આ સંગઠનોએ ખીણના વિવિધ હિસ્સામાં સાત લોકોનાં મોત સામે વિરોધ પ્રર્દિશત કર્યો હતો.