Western Times News

Gujarati News

સરકારની યોજનામાં સારવાર નિઃશુલ્ક થતાં હું અને બાળક સ્વસ્થ છીએ

૮મા મહિને સુવાવડ થઈ પણ બાળકનું વજન ઓછું હોવાથી ૧૮ દિવસ પેટી અને એક મહિનો હોસ્પિટલમાં રાખ્યું,

રાજપીપલાના નવા ફળિયામાં રહેતા પરિવારની દીકરીએ સ્થાનિક આશા વર્કરના પ્રયાસોથી સરકારની નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ મેળવ્યો

રાજપીપલા,  કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત કાર્ડ યોજના ગરીબ પરિવારો માટે આશિર્વાદરૂપ અને જીવનદાતા સાબિત થઈ રહી છે. તેનો એક દાખલો રાજપીપલાના નવા ફળિયા, ગણેશચોક વિસ્તારમાં રહેતા લાભાર્થી કોકિલાબેન રામકિશોર ભોયનો છે. આ કિસ્સાની વાત જાણે એમ છે કે, કોકિલાબેન ભોયના લગ્ન થયા બાદ સગર્ભા બનતા, તેમની સારવાર રાજપીપલાની જ એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

શરીરમાં લોહીની ઉણપ હોવાના કારણે તેમને આ સમયગાળા દરમિયાન ખૂબ કાળજી રાખવા તબીબ દ્વારા સલાહ આપવામાં આવી હતી. આ સમયમાં જ લોહીની જરૂરિયાત ઊભી થતાં તેમને લોહી પણ ચઢાવવામાં આવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા રૂપિયા ૫૦ હજાર ઉપરાંતનો ખર્ચ થઈ ગયો હતો.

દરમિયાન નવા ફળિયામાં રહેતા અને રાજ્ય સરકારની આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણ માટે આશાવર્કર તરીકે કામ કરતા કલાબેન વસાવાનો સંપર્ક થયો હતો. આ અંગે વાત કરતા કોકિલાબેન ભોયે જણાવ્યું કે, અમારા ફળિયામાં સર્વે માટે આશાવર્કર કલાબહેન આવ્યા હતા.

તે સમયે મને ગર્ભધારણનો ૭મો મહિનો ચાલી રહ્યો હતો. તેમણે મને અને મારા પરિવારને સરકાર દ્વારા મળતી આરોગ્યલક્ષી સુવિધા અને યોજના અંગે માહિતી આપી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દવાઓ લેવાનું શરૂ કર્યું. નિયમિતપણે દવાઓ મળતી હતી. મારા શરીરમાં લોહીની ઉણપ હોવાથી સિવિલ હોસ્પિટલમાંથી મને જ્યારે જરૂર પડી ત્યારે નિઃશુલ્ક લોહી પણ મળી રહ્યું.

જોકે, મને સિકલસેલની પણ તકલીફ હોવાથી તબીબે ૮મા મહિને પ્રિ-ડિલિવરી માટે સર્જરી કરાવવાની સલાહ આપી હતી. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ અને સીએચઓ તથા આશાવર્કર બહેનના માર્ગદર્શન હેઠળ વડોદરાની આસ્થા હોસ્પિટલમાં દાખલ થયા.વધુમાં તેમણે ઉમેર્યું કે, ૮મા મહિને ડિલિવરી (ઓપરેશન થકી) થતાં બાળકને ૯ મહિના પૂર્ણ થાય ત્યાં સુધી પેટીમાં અને તબીબોના નિરિક્ષણ વચ્ચે હોસ્પિટલમાં રાખવા સલાહ આપવામાં આવી હતી.

કારણ કે બાળકનું વજન પણ ખૂબ જ ઓછું હતું. આસ્થા હોસ્પિટલમાં સરકારી રાહે મળતી નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા ન હોવાથી સુમનદીપ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં ખાનગી રાહે સારવાર કરાવવામાં આવે તો હોસ્પિટલમાં એક દિવસનો અંદાજિત ખર્ચ રૂપિયા ૯થી ૧૦ હજારનો થતો હોય છે. મારા બાળકને ૧૮ દિવસ સુધી પેટીમાં અને બાકીના દિવસો વોર્ડમાં રાખી અમારી બંનેની સંભાળ અને સારવાર કરવામાં આવી.

એક મહિનો હોસ્પિટલમાં રહ્યા પરંતુ તેના માટે અમારે વધારાનો કોઈ ખર્ચ ચૂકવવો પડ્યો નથી.ખુશી વ્યક્ત કરતા કોકિલાબેન ભોયે કહે છે કે, આજે હું અને મારું બાળક બંને સ્વસ્થ છીએ તેની પાછળનું એકમાત્ર કારણ ભારત સરકાર દ્વારા આપવામાં આવતી આયુષ્માન ભારત યોજના છે.

કારણ કે, મારા બાળકનું વજન ખૂબ ઓછું હોવાથી તે બચી શકે તેવી સ્થિતિ નહોતી. એક તબક્કે અમે તો આશા છોડી દીધી હતી. પરંતુ તબીબોએ આપેલી સાંત્વના અને સરકાર દ્વારા મળેલી નિ:શૂલ્ક મળેલી સહાયના કારણે જ અમે બાળકને બચાવી શક્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.