Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૯૬૭ વાઘ માટે રૂ. ૧૦૧૦.૪૨ કરોડ અને ૫૨૩ સિંહ માટે રૂ. ૩૨ કરોડ આપ્યા

Files Photo

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.૧૦૧૦.૪૨ કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. ૩૨ કરોડનું ફંડ આપ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ ૧૬, ૨૦૨૦ના રોજ રાજ્ય સભામાં સાંસદ પરીમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષ માટે અનુક્રમે રૂ. ૪.૯૮ કરોડ, રૂ. ૫.૫૯ કરોડ અને રૂ. ૨૧.૪૨ કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગ હેઠળ રૂ. ૩૪૨.૨૫ કરોડ, રૂ. ૩૪૫ કરોડ અને રૂ. ૩૨૩.૧૭ કરોડનું ભંડોળ આપ્યું હતું.

પરિમલ નથવાણી વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે લેવામાં આવેલાં પગલાં અને છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સરખામણીએ વાઘ માટે ફાળવવામાં આવેલા બજેટ અંગે જાણવા માંગતા હતા.નથવાણીએ જણાવ્યું હતું કે, “સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી.

રાજ્ય સરકારે થોડા સમય પહેલાં રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃત્તિઓના અમલ માટે રૂ. ૩૫૦ કરોડને મંજૂરી આપી હતી. પરંતુ, કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર છે કારણ કે તે માત્ર ગુજરાતમાં ગીર અને જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.મંત્રીશ્રીના નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મંત્રાલયે ગંભીર રીતે લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવા માટે રીકવરી પ્રોગ્રામના ભાગરૂપે કેન્દ્ર પ્રાયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજનાના એશિયાટી લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ અન્વયે ૨૦૧૮-૧૯થી શરૂ કરીને ૨૦૨૦-૨૧ સુધીના ત્રણ વર્ષ માટે રૂ. ૯૭.૮૫ કરોડની ફાળવણી ધરાવતા એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં એશિયાઇ સિંહોની સંખ્યા વર્ષ ૨૦૦૫ના ૩૫૯થી ૪૫.૬૮ ટકા વધીને વર્ષ ૨૦૧૫માં ૫૨૩ થઈ હતી, જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ ૨૦૧૦માં ૧૭૦૬માં ૭૩.૯૧ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૧૮માં ૨૯૬૭ થઈ હતી.મંત્રીશ્રીના નિવેદન અનુસાર, મંત્રાલય દ્વારા વન્યજીવો દ્વારા સર્જવામાં આવતી તારાજીના સંદર્ભે રહેમરાહે આપવામાં આવતી રકમ અને વળતરની રકમ વધારીને મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. ૫ લાખ, ગંભીર ઇજા માટે રૂ. ૨ લાખ અને નજીવી ઇજા માટે રૂ. ૨૫,૦૦૦ કરવામાં આવી છે, જ્યારે મિલકત/પાકને થયેલા નુકસાનનો ખર્ચ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ ચૂકવવાનો રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.