કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને ૧૫ જુન સુધીમાં તેમને જાેઈતી બધી વેક્સિન આપશે

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની તીવ્ર અછતની વચ્ચે કેન્દ્ર સરકારે ઉઠાવેલા આ એક પગલાંથી રાજ્યોને ખૂબ મોટો ફાયદો થશે અને અડચણ વગર વેક્સિનેશનનું કામ ચાલી શકશે. હાલમાં ઘણા રાજ્યોમાં વેક્સિનની ખૂબ મોટી અછત છે અને વેક્સિનના અભાવથી વેક્સિનેશનનું કામ અટવાયેલું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે લેખિતમાં જાણકારી આપવામાં આવી છે. રાજ્યોને જણાવાયું છે કે તમામ રાજ્યોને કોરોનોની વેક્સિન કોવિશિલ્ડ, કોવેક્સિન) મે અને જુનના પહેલા ૧૫ દિવસમાં મળી જશે. તેનાથી રાજ્ય સરકારો, પ્રાઈવેટ હોસ્પિટલો સરળતાથી વેક્સિનેશનનું કામ આગળ ચલાવી શકશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ૧ મે થી ૧૫ જુન વચ્ચે ભારત સરકાર તમામ રાજ્યોને ૫.૮૬ કરોડ વેક્સિન ડોઝ મફતમાં ઉપલબ્ધ કરાવશે. તે ઉપરાંત જુનના અંત સુધીમાં વેક્સિન નિર્માતાઓ પાસેથી ૪.૮૭ કરોડના વધારાના ડોઝ પણ ઉપલબ્ધ રહેશે જે રાજ્ય સરકાર અથવા પ્રાઈવેટ હોસ્પિટલ તેની જરુરીયાત પ્રમાણે વેક્સિન નિર્માતાઓ પાસેથી ખરીદી શકશે. ઉલ્લેખનીય છે કે જિલ્લાધિકારીઓ સાથેની મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે રાજ્યોને ૧૫ દિવસ એડવાન્સમાં કોરોનાની વેક્સિન મળી રહે તે માટેના તમામ પ્રયાસો ચાલુ છે.
મીટિંગમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં જિલ્લાધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તમે ફિલ્ડ કમાન્ડર્સ છો. જાે તમને પોલિસીમાં કોઈ ફેરફારની જરુર લાગતી હોય તો તમે બેધડક તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક ટેસ્ટિંગ અને લોકોને સાચી તથા સંપૂર્ણ માહિતી આપવી ખૂબ જ જરુરી છે.