કેન્દ્ર સરકાર નહીં આપે તો અમે મફતમાં લોકોને આપીશુ કોરોના વેક્સીનઃ કેજરીવાલ
નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે, જો કેન્દ્ર સરકાર કોરોનાની રસી મફત નહીં આપે તો દિલ્હી સરકાર લોકોને કોરોનાની રસી વિના મુલ્યે આપશે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, સરકાર પોતાના પૈસે વેક્સીન ખરીદીને લોકોને આપશે.હું લોકોને અપીલ કરુ છું કે, કોરોનાની રસી અંગે ખોટી અફવા ના ફેલાવે.મેં કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તમામ લોકોને મફતમાં વેક્સીન લગાવાય પણ જો કેન્દ્ર સરકાર આવુ ના કરી શકતી હોય તો દિલ્હીના લોકોને અમે કોઈ ચાર્જ લીધા વગર વેક્સીન લગાવીશું.
કેજરીવાલની જાહેરાતના પગલે આગામી દિવસોમાં બીજા રાજ્યોની સરકારો હરકતમાં આવીને આ પ્રકારનુ એલાન કરે તો નવાઈ નહીં હોય.કારણકે કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરી ચુકી છે કે, પહેલા તબક્કામાં 3 કરોડ કોરોના વોરિયર્સને જ ફ્રી રસી આપવામાં આવનાર છે.
દરમિયાન કેજરીવાલે કોરોના સામેની લડાઈ દરમિયાન મોતને ભેટનાર ડોક્ટર હિતેશ ગુપ્તાના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારને એક કરોડની સહાય આપી હતી.