કેન્દ્ર સરકાર સ્ટાર્ટઅપના વિકાસ માટે જરૂરી તમામ સહયોગ કરવા તત્પર: કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી
(માહિતી) ગાંધીનગર, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ-ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ જરૂરી સહયોગ કરવા તત્પર છે તેમ આજે PDEU ગાંધીનગર ખાતે ઇનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લેતાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ.
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સીટી (PDEU), ગાંધીનગર ખાતે આવેલી ઇનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન સેન્ટરની આજે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મુલાકાત લીધી હતી.
જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે ૨૬ જેટલાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપની વિગતો મેળવી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ PDEUના મારૂતિ સેન્ટર ઓફ એકસેલન્સની મુલાકાત કરી વિગતો પણ મેળવી હતી.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે PDEU ખાતે ઉપસ્થિત સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, ભૂતકાળમાં ભારતમાં crony capitalism, nepotism, ભ્રષ્ટાચાર, સરકારી કામમાં શિથિલતા જાેવા મળતી હતી જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસ ક્ષેત્રે નવી ક્ષિતિજાે સર કરી છે.
ભારતની સર્વાંગી પ્રગત્તિ માટે સ્કિલ ઈન્ડિયા મિશન, મેઈક ઈન ઈન્ડિયા, ન્યૂ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે.
ડિજિટલ ઈન્ડિયા-ટેકનોલોજી દ્વારા નાગરિકોના જીવન પદ્ધતિ અને વહીવટી તંત્રમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. DBT દ્વારા સરકારની તમામ યોજનાઓના નાણાં લાભાર્થીઓના ખાતામાં સીધા જમા થાય છે તે ડિજિટલ ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ભારતમાં ઈકોનોમીના વિકાસ માટે યુવાઓની સામેલગીરી વધે અને ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેમણે જણાવ્યું હતું કે, સાયબર સિક્યુરિટી, ESDM, Big Data Analysis, IoT, Block Chain, 3D printing & modelling , Robotics, Drone technology જેવા ક્ષેત્રોમાં વધુ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન થાય એ આજની માંગ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે.
આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. કોરોના મહામારી બાદ આર્ત્મનિભર ભારતના અભિયાન થકી ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બની છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલી NEP-2020ના અમલમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન SSIP-2.0અંતર્ગત ૩૫ વર્ષ સુધીના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે તેમ આજે PDEU ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.
PDEU ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ગુજરાત મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાન PDEU સ્વરૂપે સિંચેલાં એક નાનકડા છોડને વિશ્વ આજે એક વૃક્ષ તરીકે જુએ છે. PDEU આજે વૈશ્વિક ઓળખ ધરાવતી શૈક્ષણિક સંસ્થા બની છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ૨૪ કલાક સંશોધન કરી શકે તે માટે એક સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે સાચાં અર્થમાં બદલાઈ રહ્યું છે, ભારતની તાકાત આજે સમગ્ર વિશ્વ સ્વીકારતુ થયું છે. ન્યૂ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાં યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે PDEUના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. મનોહરન દ્વારા સ્વાગત પ્રવચન તેમજ રજિસ્ટ્રાર પ્રો. તરુણ શાહ દ્વારા આભારવિધિ કરાઈ હતી.
આ કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અગ્ર સચિવ એસ. જે હૈદર, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી એમ. નાગરાજન, ટેકનિકલ કમિશનર જી.ટી. પંડ્યા, PDEUના પ્રોફેસર, ફેકલ્ટી અને સ્ટાર્ટ અપ-ઈનોવેશનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.