કેન્દ્ર ૧૫૦ રૂપિયામાં જ ખરીદશે વેક્સીન, રાજ્યો પાસેથી નહિ લેવામાં આવે કોઈ ચાર્જઃ આરોગ્ય મંત્રાલય

નવીદિલ્હી: કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે વેક્સીન ખરીદવામાં આવી રહી છે તે રાજ્ય સરકારને નિઃશુલ્ક આપવામાં આવતી રહેશે. મંત્રાલયે કહ્યુ કે કેન્દ્ર સરકાર કોરોના વાયરસની બંને વેક્સીન માટે ૧૫૦ રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવતા રહેશે પરંતુ રાજ્ય સરકારો પાસેથી કોરોના વેક્સીન માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહિ આવે અને તેમને વેક્સીન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી રહેશે.
આ પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ એલાન કર્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વેક્સીનના નવા ઑર્ડર માટે હવેથી ૪૦૦ રૂપિયા અદા કરવા પડશે. તેમણે કહ્યુ હતુ કે હવે વેક્સીનની પ્રભાવકારિતા સિદ્ધ થઈ ચૂકી છે અને આ હવે કોરોના વાયરસ પર કામ કરી રહી છે. માટે હવે નવા ઑર્ડર જૂની કિંમતના બદલે નવી કિંમતે મળશે. તમને જણાવી દઈએ કે વેક્સીનની જૂની કિંમત ૧૫૦ રૂપિયા હતી.
પૂનાવાલાના આ નિવેદન પર સ્પષ્ટીકરણ આપીને શનિવારે આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે કેન્દ્ર ૧૫૦ રૂપિયામાં જ વેક્સીન ખરીદશે અને રાજ્યોને તે મફતમાં આપવામાં આવશે. વળી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાનને વિસ્તાર આપીને કેન્દ્રએ ઘોષણા કરી કે વેક્સીન નિર્માતા ખુલ્લા બજાર અને રાજ્યોમાં પોતાની રસીને વેચી શકે છે અને ખાનગી હોસ્પિટલોમાં સીધી રીતે વેક્સીન નિર્માતાઓ પાસેથી વેક્સીન માત્ર કેન્દ્ર સરકાર ખરીદી રહી હતી અને પછી તેમને રાજ્ય સરકારોને પહોંચાડી રહી હતી. પરંતુ હવે રાજ્ય વેક્સીન નિર્માતાઓ પાસેથી ડાયરેક્ટ વેક્સીન ખરીદી શકે છે.
સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલા દ્વારા વેક્સીનના નવા ભાવ જાહેર કરવા પર ઘણા વિપક્ષી દળોએ આ વિશે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આના પર સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે વેક્સીનના નવા ઑર્ડર માટે સરકારે ૪૦૦ રૂપિયા અદા કરવા પડશે આ કિંમત અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સરકાર દ્વારા વેક્સીન માટે અદા કરવામાં આવી રહેલી કિંમત ઘણી વધુ છે. વળી, આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે ભારત સરકાર ૧૫૦ રૂપિયામાં જ વેક્સીન ખરીદી શકશે અને રાજ્યોને તેને મફતમાં આપવામાં આવશે.