કેન્સરને હરાવીને શૂટિંગ શરૂ કરતાં નટુકાકા ટ્રોલ થયા
મુંબઈ: સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે એક્ટર ઘનશ્યામ નાયકે ૧૦ ડિસેમ્બર ૨૦૨૦થી ફરી શૂટિંગ શરૂ કર્યું હતું. ગંભીર બીમારીનો શિકાર થયેલા ઘનશ્યામ નાયકે સાજા થયા બાદ બમણા જુસ્સાથી કામ શરૂ કર્યું છે. જાે કે, તેમણે શૂટ કરેલો એપિસોડ પ્રસારિત થયા પછી ઘણા લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. ટ્રોલર્સે કહ્યું કે, તેઓ નબળા લાગી રહ્યા છે અને પોતાની બીમારી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. ઘનશ્યામ નાયકે કહ્યું, દરેક વ્યક્તિ ઘરડી થાય છે અને બીમાર પણ પડે છે.
ભગવાનની દયાથી હવે હું કેન્સર મુક્ત છું અને મારા શરીર પર ડૉક્ટરે કરેલી સારવારની અસર થઈ છે. મેં ૧૦ ડિસેમ્બરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે શૂટિંગ કર્યું હતું અને ત્યારથી હું શોનો ભાગ છું. આ બધું જ ઈશ્વરની કૃપા અને પ્રોડ્યુસર આસિત કુમાર મોદી તેમજ મારા પરિવારના સહયોગથી શક્ય બન્યું છે. સ્ક્રીન પર અશક્ત દેખાવાના કારણે લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા,
આ વિશે પ્રતિક્રિયા આપતાં ઘનશ્યામ નાયકે કહ્યું, “કેટલાક લોકો વરિષ્ઠ કલાકારો પ્રત્યે અસંવેદનશીલ છે. હું લોકોને વિનંતી કરીશ કે તેઓ નકારાત્મકતા ના ફેલાવે. જાે સ્ક્રીન પર દેખાવાને લાયક ના હોત તો મારા પ્રોડ્યુસર મને કાસ્ટ જ ના કર્યો હોત. મેં ક્યાંક વાંચ્યું હતું કે લોકોએ મારા પહેરવેશ પર પણ ટિપ્પણી કરી છે. જે લોકો પાસે કંઈ કામ નથી હોતું તેઓ જ આ પ્રકારે નેગેટિવિટી ફેલાવે છે. પરંતુ આ બધી વાતો મને અસર નથી કરતી કારણકે હું ખુશ છું કે આ ઉંમરે પણ હું કામ કરી રહ્યો છું.
મારું શરીર સાથ આપશે ત્યાં સુધી હું સેટ પર રહેવા ઈચ્છું છું. જે રીતે આવા નકારાત્મક વિચારસરણીવાળા લોકો છે તેવી જ રીતે એવા લોકો પણ છે જેમણે મને મારી જર્નીમાં સપોર્ટ કર્યો છે. ભગવાનના આશીર્વાદથી હું વધુ કામ કરવા સક્ષમ બન્યો છું અને શોમાં જેઠાલાલ (દિલીપ જાેશી) સાથે મળીને હાસ્ય દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છું. થોડા દિવસ પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજદાએ સેટ પરથી ઘનશ્યામ નાયકની એક તસવીર શેર કરીને તેમને પ્રેરણાદાયી ગણાવ્યા હતા.