Western Times News

Gujarati News

કેન્સર કોવિડમાં દેવરામભાઈની યોગ્ય ઓળખ પછી જ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરાયા છે

મૃતક દેવરામભાઈની દીકરી અને જમાઈએ કપડાં સાથે મૃતદેહ સ્વીકાર્યા પછી અંતિમ સંસ્કાર કરાયા

દર્દીનો કોરોના રિપોર્ટ ન આવ્યો હોય અને દર્દીનું મૃત્યુ થાય તો પણ કોરોના પ્રોટોકોલ પ્રમાણે જ અંતિમવિધિ કરવાની હોય છે

અમદાવાદના ૭૧ વર્ષીય દેવરામભાઈ મહંગુભાઈ ભૈસીકરનું દુઃખદ મૃત્યુ તાવ, કફ અને શ્વાચ્છો્શ્વાસની તકલીફને કારણે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની કોવિડ હોસ્પિટલમાં થયું હતું. દેવરામભાઈના અવસાન પછી હોસ્પિટલે તેમના દીકરી ભારતીબેન અને અન્ય દીકરીના પતિ એટલે કે જમાઈ નિલેશભાઈને પાર્થિવ દેહની ઓળખ વિધિ કરાવીને, મૃતકના કપડા વગેરે સાથે હોસ્પિટલના રજીસ્ટરમાં સહી લઈને તેમના પિતા દેવરામભાઈનો પાર્થિવ દેહ સોંપ્યો છે, અને મૃતદેહની ઓળખવિધિ પછી જ મૃતકની અંતિમવિધિ કોવિડના પ્રોટોકોલ પ્રમાણે થઈ છે. એટલે કોઈ અજ્ઞાત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરાયા છે એવી વાતમાં લેશ માત્ર તથ્ય નથી.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિયામક શ્રી ડૉ. શશાંક પંડ્યાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૭૧ વર્ષીય દેવરામભાઈ ભૈસીકરને ૨૮મી મે એ સાંજે ૪.૪૮ મિનિટે કેન્સર કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને તાવ, કફ અને શ્વાચ્છોશ્વાસમાં ભારે તકલીફ હતી. દર્દીના સગાઓએ ત્યારે કહ્યું હતું કે તેમને ચાર દિવસથી આ તકલીફ છે. તેઓ પોતાની સાથે છાતીનો એક્સ-રે લાવ્યા હતા તેમાં પણ ન્યુમોનિયાના પેચ દેખાતા હતા. દર્દીની હાલત ત્યારે પણ ગંભીર હતી. આવી પરિસ્થિતિમાં તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

કોરોનાના લક્ષણો જણાતા કોરોના પ્રોટોકોલ પ્રમાણે તારીખ ૨૮મી મે એ સાંજે કોરોના ટેસ્ટ માટે તેમના ગળામાંથી સ્વૉબ લેવામાં આવ્યો હતો. દર્દીની હાલત વધુ ને વધુ કથળતી જતી હતી. દર્દીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. દર્દીની કથળી રહેલી તબિયત વિશે તેના સગાઓને પણ જાણ કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં તારીખ ૨૯મી મેએ બપોરે ૩.૧૫ વાગ્યે દેવરામભાઈનું દુઃખદ અવસાન થયું.

દેવરામભાઈનું મૃત્યુ થયું ત્યાં સુધી તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો ન હતો, એટલે દર્દી કોરોના ચિહ્નો સાથે મૃત્યુ પામેલા હોવાથી પ્રોટોકોલ પ્રમાણે તેમને કોરોના શંકાસ્પદ ગણીને તેમના અંતિમ સંસ્કાર કરવાના થાય. આ માટે હોસ્પિટલે તરત જ તેમના સગાં-સંબંધીઓને જાણ કરી હતી. તેમના દીકરી ભારતીબેન અને જમાઈ શ્રી નિલેશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે સાંજે ૫.૫૫ વાગ્યે આવીને યોગ્ય ઓળખવિધિ પછી તેમના પિતા શ્રી દેવરામભાઈનો પાર્થિવદેહ સ્વીકાર્યો હતો. આ અંગે તેમણે હોસ્પિટલના રજીસ્ટરમાં નોંધ પણ કરી છે. ત્યારબાદ જ કોરોના પ્રોટોકોલ પ્રમાણે દેવરામભાઈના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તા.૩૦ મી એ તેમના દીકરીએ જણાવ્યું હતું કે, તેમના પિતાજીને હોસ્પિટલમાં લાવ્યા તેના આગલા દિવસે ઘરે તેઓ બેહોશ થઈ ગયા હતા. આ વાત તેઓ દર્દીને હોસ્પિટલ લાવ્યા ત્યારે કહી ન હતી.

ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, તારીખ ૨૯ મી મે રાત્રે ૧૦.૩૦ કલાકે દેવરામભાઈના કોરોના ટેસ્ટનો રિપોર્ટ મેલ દ્વારા મળ્યો હતો, જે નેગેટિવ હતો. તેથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતી વ્યક્તિએ રાબેતા મુજબ તરત જ આ રિપોર્ટની જાણ કરવા દર્દીના સગા-સંબંધીઓએ આપેલા ફોન નંબર પર સંપર્ક કર્યો હતો. કંટ્રોલરૂમમાં ફરજ બજાવતી વ્યક્તિને દર્દીની છેલ્લી સ્થિતિની ખબર નહીં હોવાથી તેમણે પૂરતી તપાસ કર્યા વિના દર્દીના સગાને જણાવ્યું કે, ‘દેવરામભાઈનો રિપોર્ટ નેગેટિવ છે, જેથી તેમને ટ્રાન્સફર કરવાના છે.’ કંટ્રોલરૂમમાં ફરજ પરની વ્યક્તિની ભૂલની ફરજ પરના ડોક્ટરને જાણ થતાં તેમણે તરત જ ભૂલ સુધારી લીધી હતી અને સાચી વાતની ખબર પાડી હતી. એટલે આ ઘટનામાં કોઈ ભળતી જ વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ ગયા છે એવી વાતોમાં કોઈ જ તથ્ય નથી. હા, કંટ્રોલરૂમમાં ફરજ બજાવી રહેલા કર્મચારીએ દર્દીની છેલ્લી સ્થિતિ જાણ્યા વિના તેના રિપોર્ટની જાણ પરિવારજનોને કરી એટલી ક્ષતિ થઇ છે, તે સિવાય આ આખી વાતમાં કોઈ જ બેજવાબદારી કે બેકાળજી નથી. હૉસ્પિટલ વ્યવસ્થાપન ખૂબ જ કાળજીપૂર્વક સમગ્ર કામગીરી અત્યંત સંવેદનશીલતાથી કરી રહ્યું છે.

ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, કેન્સર હોસ્પિટલ કે સિવિલની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલના ડોક્ટરો, નર્સો અને તમામ કર્મચારીઓ દરરોજ હજારો દર્દીઓની સેવા ખડે પગે કરી રહ્યા છે. દિવસ રાત જોયા વિના આ ડોક્ટરો અને કર્મચારીઓ પોતાની જાતને જોખમમાં મૂકીને પણ પોતાની તબિયતની લેશમાત્ર પરવા કર્યા વિના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરી રહ્યા છે ત્યારે આવા બેબુનિયાદ આક્ષેપો સમગ્ર હોસ્પિટલ તંત્રનું મોરલ ડાઉન કરે છે. ડોક્ટરો, નર્સો અને નિષ્ઠાવાન કર્મચારીઓને આઘાત પહોંચાડે છે. આવા બિનજરૂરી આક્ષેપો કરીને વાતાવરણને વધુ કલુષિત ન કરવા અને હકારાત્મક ભાવથી કોરોના સામેની લડાઈમાં સહયોગ આપવા તેમણે સૌને અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.