કેન્સર હોસ્પિટલમાં કોરોના દર્દીઓ પર મ્યુઝિક થેરાપીનો અભિનવ પ્રયોગ… અભિનવ પરિણામ
“…. મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ…. હમ હોંગે કામયાબ એક દિન…”
મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ…. હમ હોંગે કામયાબ એક દિન…” કે પછી ” ઇતની શક્તિ હમે દેના દાતા… મમતા વિશ્વાસ કમજોર હો ના…”
અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં કોરોના વોર્ડ પાસેથી પસાર થતા હોઇએ, અને તમારા કાન પર સંગીત સુરાવલીના આ અર્થસભર શબ્દો સંભળાય તો આશ્ચર્ય ન પામતા ! .. અને રખે એવું માનતા કે તમે કોઈ મ્યુઝિક હોલ માં છો..જો કે આપણે હોસ્પિટલમાં હોઈએ અને વોર્ડની બહાર સંગીત, અંતાક્ષરી, સંભળાય તો આપણને આશ્ચર્ય થાય પરંતુ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી વોર્ડમાં મ્યુઝિકલ થેરાપી ચાલતી હશે…
કોરોનાગ્રસ્તને સારવારની સાથે-સાથે મનોસ્થિતિ પણ સ્વસ્થ રહે તે માટે હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોની ટીમ દર્દીઓને મ્યુઝિકલ થેરાપી આપી રહી છે. આ મ્યુઝીકલ થેરાપીમાં તેઓ દર્દીઓને અંતાક્ષરી રમાડે છે ,ગીત ગવડાવે છે , વોર્ડમાં લાગેલા ટીવી ઉપર વિવિધ સંગીતના ભજનના વિડિયો બતાવવામાં આવે છે જેથી વોર્ડનું વાતાવરણ મધૂર સંગીતમય બની રહે છે.
કેન્સર હોસ્પિટલના નિયામક ડોક્ટર પંડ્યા કહે છે કે, કોરોના ની સારવાર લેતા દર્દીઓ સ્વાભાવિકપણે એક પ્રકારની નિરાશા કેદાર અનુભવતા હશે તેમને અહીં અધ્યતન સારવાર તો અપાય છે પરંતુ તન સાથે તેમનું મન પણ સ્વસ્થ રહે તે માટે અમારા ડોકટરોની ટીમ દ્વારા મ્યુઝિક થેરાપીનો અમલ કરાયો છે.. હોસ્પિટલના તમામ વોર્ડ, બિલ્ડીંગના વિવિધ સ્થળોએ સ્પીકર ગોઠવવામાં આવ્યા છે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત વગાડવામાં આવે છે જે પણ દર્દીઓને માનસિક રીતે શાંતિપૂર્ણ વાતાવરણ આપે છે. કેન્સર હોસ્પિટલના માઇક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર પારિજાત ગોસ્વામી કહે છે કે
દિવસ દરમિયાન સવારે ૪ કલાક અન સાંજે ૨ કલાક મળીને કુલ ૬ કલાક તબક્કાવાર વિવિધતા ઘરાવતા સંગીતની થેરાપી આપવામાં આવે છે. અમે આ દર્દીઓ તેની સારવારની સાથે સાથે તેમનું મન પ્રફુલ્લિત રહે તે માટે આ અનોખી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આ દરમિયાન દર્દીઓ સાથે વાતચીત, ગીત ભજન, સંગીતનુ લાઇવ ડેમોન્સ્ટ્રેશન, ટીવીમાંથી relay કરવું, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક બંસરી જેવા વાદ્યો થી તેમને આનંદિત રાખીએ છીએ..” આ વોર્ડના દર્દી ૩૩ વર્ષીય ભારતીય આકાશ કહે છે કે “હું છેલ્લા ૧૮ દિવસથી અહીં સારવાર લઈ રહ્યો છું… અગાઉ ખુબ બોર થતો હતો પરંતુ જ્યારથી આ સંગીત થેરાપી શરૂ થઈ છે ત્યારથી મારું મન અત્યંત આનંદિત રહે છે…”
અન્ય એક દર્દી કહે છે કે “સંગીત સાંભળવાથી મનમાંથી ભયજનક વિચારો દૂર થાય છે અને નવા સારા વિચારો આવે છે… અમારે મન તો ડોક્ટર ભગવાન છે પરંતુ મ્યુઝિક થેરાપીથી આ ડોક્ટરોએ હવે અમારા માટે એક નવું આનંદમય વાતાવરણ ઉભું કર્યું છે..” અને એક મહિલા દર્દી તો સુર સાથે તાલ મિલાવતા ડોક્ટરોને ઉદ્દેશીને ગાય છે કે, “તુમ નારાજ ના હોના, તુમ મેરી જિંદગી હો તુ મેરી બંદગી હો..” મ્યુઝિક થેરાપી ના આ પ્રયોગ કોરોનાના દર્દીઓ ને ઝડપથી સાજા કરવામાં મ્યુઝિક થેરાપી આગવું માધ્યમ પુરવાર થશે તેવું આ તમામ દર્દીઓ માને છે… સલામ છે આ ડોક્ટરોના અભિનવ પ્રયોગને…