કેબિનેટની મંજૂરી : મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારી હવે સપ્તાહમાં 5 દિવસ જ કામ કરશે
મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે સરકારી કર્મચારીઓને રજાની ભેટ આપી છે. મહારાષ્ટ્રમાં સરકારી નોકરી કરનાર લોકોને હવે સપ્તાહમાં ફક્ત 5 દિવસ જ કામ કરવું પડશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર મહોર લગાવી છે. સરકારની આ જાહેરાતનો લાભ 29 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રના કર્મચારી ઉઠાવી શકશે. જાણકારી પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર તરફથી કરાયેલા વાયદા પ્રમાણે સરકારી કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ રજાની જાહેરાત કરાઈ છે. બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર મહોર લગાવવામાં આવી હતી. હાલ મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે. હવે દર શનિવાર અને રવિવારે સરકારી કર્મચારીને રજા રહેશે.
આ પહેલા રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પબ, મોલ અને રેસ્ટોરન્ટ 24 કલાક ખોલવાની જાહેરાત કરી હતી. હાલ મુંબઈમાં કાલા ઘોડા, નરીમાન પોઇન્ટ, બીકેસી અને કમલા મિલ કમ્પાઉન્ડના વિસ્તારમાં ખોલવાનો નિર્ણય કર્યો છે. 26 જાન્યુઆરીથી તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવ્યો છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે ‘શિવ ભોજન’યોજના પણ આખા રાજ્યમાં લાગુ કરી છે. જેમાં મહારાષ્ટ્ર ગરીબ અને જરુરિયાતમંદ લોકોને 10 રુપિયામાં ભોજન આપવામાં આવશે. આ યોજના પ્રમાણે રાજ્ય સરકાર પાયલોટ પરિયોજના શરુ કરવા માટે 6.4 કરોડ રુપિયા ખર્ચ કરશે. જે ત્રણ મહિના સુધી ચાલશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક ‘શિવ ભોજન’ કેન્ટિન શરુ કરવામાં આવશે.