કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે ૧૦૬૮૩ કરોડ રૂપિયાની પીએલઆઇ યોજનાને મંજૂરી આપી

નવીદિલ્હી, કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે ૧૦૬૮૩ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ ૫ વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવાયો.
બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને આઈબી મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા ર્નિણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પીએલઆઈ સ્કીમથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને ગ્લોબલ રીતે કમ્પીટેટિવ બનાવવામાં મદદ મળશે. પીએલઆઈ સ્કીમથી ૭.૫ લાખ લોકોને સીધો ફાયદો થશે.
પિયુષ ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગ માટે જેટલા પગલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યા છે તે કદાચ જ પહેલા ઉઠાવાયા હશે. મને વિશ્વાસ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ દેખાડી શકશે. પિયુષ ગોયલે કહ્યું કે સમગ્ર વેલ્યુ ચેન, જેની Man Made Fiber અને Technical Textile માં જરૂર પડે છે. તેને પ્રમોટ કરવામાં આવશે. ફેબ્રિક ભારતમાં બને અને પ્રોસેસિંગ યુનિટ વધુ આવે તેના પર અમારી કોશિશ રહેશે.
કેબિનેટે શેરડીના ખેડૂતો માટે ૨૯૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ખરીદભાવને મંજૂરી આપી દીધી છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. કેબિનેટે માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ માટે રવિ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે ટેકાના ભાવમાં વધારો કર્યો. ઘઉ માટે એમએસપી ૧૯૭૫ રૂપિયાથી વધારીને ૨૦૧૫ રૂપિયા કર્યો. આ એમએસપી પર ઉત્પાદન ખર્ચના તેમના ૧૦૦ ટકા ખેડૂતોને પાછા આવી જશે.
ચણાની એમએસપી વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૫૨૩૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી. જે પહેલા ૫૧૦૦ રૂપિયા હતી. મસૂરની એમએસપી ૫૧૦૦ રૂપિયાથી વધારીને ૫૫૦૦ રૂપિયા કરવામાં આવી. મસ્ટર્ડની એમએસપી ૪૬૫૦ રૂપિયાથી વધારીને ૫૦૫૦ રૂપિયા કરવામાં આવી. કુસુમની એમએસપીમાં પણ ૧૧૪ રૂપિયાનો વધારો કરાયો છે. હવે તે ૫૩૨૭ રૂપિયાથી વધીને ૫૪૪૧ રૂપિયા થઈ છે.HS