કેબિનેટ મંત્રીએ પાટણ ખાતે સીમેન સેકસીંગ ફેસીલીટી ભવનનું ખાતમૂહૂર્ત કર્યું
માહિતી બ્યુરો, પાટણ: પાટણમાં આવેલ સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડકશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ખાતે તા.૨૪ જૂનના રોજ કેબિનેટ કક્ષાના પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા અને રાજય કક્ષાના પશુપાલન મંત્રશ્રી બચુભાઇ ખાબડે સીમેન સેકસીંગ ફેસીલીટી સેન્ટર ભવનનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે પશુપાલન અને સહકાર સચિવશ્રી મનિષ ભારદ્વાજ, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, પશુપાલન નિયામકશ્રી ર્ડા.ફાલ્ગુની પાઠક ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના પશુપાલકોને તેમની પશુપાલનની પ્રવૃત્તિમાં ફાયદો થાય એ હેતુથી પાટણ ખાતે ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન પ્રોજેકટ હેઠળ સીમેન સેકસીંગ ફેસીલીટી સેન્ટર બનાવવાની મંજૂરી મળી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત કુલ રૂ.૪૭.૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયેલ છે. આ પ્રોજેકટની શરૂઆત થતા ગુજરાતના લાખો પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પશુઓની ઓલાદો મળતી થશે.
નવિન ભવનના ખાતમૂહુર્તમાં આવેલ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા અને રાજય કક્ષાના પશુપાલન મંત્રશ્રી બચુભાઇ ખાબડે સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડકશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ, પાટણ ખાતે થઇ રહેલ વિવિધ પ્રવૃતિ અને નવીન પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરી નવીન ભવનનું ખાતમૂહુર્ત વિધિ પૂર્ણ કરીને સંકુલમાં આવેલ લેબોરેટરીની પ્રત્યક્ષ કામગીરી નીહાળી હતી.